વેક્સિનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહીં હોવાથી નવો જથ્થો આવ્યા બાદ જ રસીકરણની કામગીરી કરવામાં આવશે.
ગુજરાતમાં રસીકરણ પુરજોશથી ચાલી રહ્યું છે. આગામી પહેલી મેથી રાજ્યમાં 18 વર્ષથી વધુ વયના લોકોને પણ વેક્સિન આપવા માટેની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે, પરંતુ રસીકરણના આ કાર્યક્રમ પર બ્રેક વાગી ગઈ છે. વેક્સિનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહીં હોવાથી નવો જથ્થો આવ્યા બાદ જ રસીકરણની કામગીરી કરવામાં આવશે. એ ઉપરાંત હાલમાં 45 વર્ષથી વધુ વયના લોકોને જ રસી આપવામાં આવશે, એવું આરોગ્ય વિભાગનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
રજિસ્ટ્રેશન 28મી એપ્રિલે શરૂ થયું હતું
18 વર્ષથી ઉપરના લોકોને પહેલી મેથી કોરોનાની રસી અપાશે, જેનું રજિસ્ટ્રેશન 28મી એપ્રિલે સાંજે ચાર વાગ્યાથી શરૂ થયું હતું. જોકે રજિસ્ટ્રેશન શરૂ થયા બાદ તરત જ કોવિન પોર્ટલ, એપ્લિકેશન અને ઉમંગ એપ્લિકેશન પર ખામી સર્જાઇ હતી અને રજિસ્ટ્રેશન થઇ શક્યું નહોતું. આ અંગે સોશિયલ મીડિયા સહિતના વિવિધ માધ્યમો દ્વારા ફરિયાદો ઊઠતાં બે કલાક બાદ ફરી સર્વર શરૂ થયું હતું. રજિસ્ટ્રેશન શરૂ થયા બાદ કોવિન સર્વર પર ધસારો થતાં પોર્ટલમાં ખામી સર્જાઇ હતી.
1 કરોડ 17 લાખ 57 હજાર 862નું વેક્સિનેશન પૂર્ણ થયું
અત્યારસુધી 95 લાખ 64 હજાર 559 લોકોને પ્રથમ ડોઝ અને 21 લાખ 93 હજાર 303 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 17 લાખ 57 હજાર 862નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 47 હજાર 432 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 75 હજાર 571ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યારસુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.
સરકારે રસીકરણ માટે 1.50 લાખ ડોઝની વ્યવસ્થા કરી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં આગામી 1 મેથી દેશભરમાં 18 થી 45 વર્ષની વયના લોકો માટે કોરોના રસીકરણ શરૂ થવાનું છે. તેમાં ગુજરાત આ દોઢ કરોડ રસીકરણ ડોઝ દ્વારા પોતાનું યોગદાન આપવા પ્રતિબદ્ધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 6000 જેટલા સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રો મારફત આરોગ્યકર્મીઓ, ફ્રન્ટલાઈનવર્કર્સ અને 45થી વધુની વયના નાગરિકોના રસીકરણમાં ગુજરાત અગ્રેસર છે.
સરકારને રસીકરણ માટે 3,000 કરોડનો ખર્ચ આવી શકે છે
રાજ્ય સરકારોને સીરમ ઇન્સ્ટિટ્યૂટ 400 રૂપિયા પ્રતિ ડોઝની કિંમતે રસી આપશે, જ્યારે ભારત બાયોટેક એક ડોઝ 600 રૂપિયાની કિંમતે આપશે. હાલ સરકારે એક કરોડ ડોઝ સીરમ પાસે, જ્યારે 50 લાખ ડોઝ ભારત બાયોટેક પાસે મગાવ્યા છે. હાલ સરકારને 400 કરોડ સીરમને, જ્યારે 300 કરોડ ભારત બાયોટેકને ચૂકવવા પડશે. જો આ વયજૂથના તમામ 3.25 કરોડ નાગરિકોને રસીના બન્ને ડોઝ આપવાનો લક્ષ્યાંક હોય તો ગુજરાત સરકારને 3,000 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ આવી શકે તેમ સરકારનાં સૂત્રો જણાવે છે.