ગાંધીનગર : સે -૨૧ની મહાલક્ષ્મી કિરાણા સ્ટોર્સમાં ગુટખા સિગરેટનું વેચાણ કરતા માલિક ઝડપાયો
ગાંધીનગર :
રાજયમાં કોરોના મહામારીનાં કારણે ગાંધીનગરમાં ચાલી રહેલા આંશિક લોક ડાઉનના પગલે સરકાર દ્વારા રાત્રી કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જીવન જરૂરિયાતની ચીજો સિવાય તમામ ધંધા વેપારીઓને બંધ કરી દેવાની કડક સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. ત્યારે તમામના રોજગાર ધંધા બંધ થઈ ગયા છે. તેમ છતાં કોરોનાની બીજી લહેર ઘાતકી હોવા છતાં ઘણા વેપારીઓ ચોરી છૂપીથી ધંધો ચલાવી રહ્યાં હોવાનું ધ્યાને આવી રહ્યું છે.
ત્યારે ગઈકાલે નાયબ પોલીસ અધિક્ષક એમ. કે. રાણા દ્વારા શહેરના શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં કોરોના ગાઈડ લાઈનની કડક અમલવારી થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી. જેનાં પગલે ગઈકાલે જ સેકટર – 21 પોલીસ મથકની હદમાં જીવન જરૂરિયાતની ચીજો સિવાય વસ્તુઓનું વેચાણ કરનાર વેપારીઓને ઝડપી લેવા સઘન પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન સેકટર – 21 પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ રાણાને બાતમી મળી હતી કે સેકટર 21 માં આવેલ મહાલક્ષ્મી કિરાણા સ્ટોર્સના મહેશ પ્રભુભાઈ ઠક્કર દ્વારા જથ્થાબંધ ભાવે ગુટખાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેથી પોલીસ ટીમ તુરંત શાક માર્કેટનાં ઉક્ત સ્થળે દોડી ગઈ હતી. જ્યાં મહાલક્ષ્મી કિરાણા સ્ટોર્સ આગળ કેટલાક ગ્રાહકો જીવન જરૂરિયાતની ચીજોની સાથો સાથ ગુટખાના વિવિધ બ્રાન્ડનાં પેકેટો તેમજ સિગરેટ વિગેરે પણ જથ્થા બંધ ભાવે વેચતો રંગેહાથ ઝડપાઈ ગયો હતો. જેની દુકાનની તલાશી લેતાં પાન મસાલાના નાના મોટા કોથળા ભરીને ગુટખાના પેકેટો તેમજ સિગરેટનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. ત્યારે સેકટર 21 પોલીસ દ્વારા મહેશ ઠક્કરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.