PMના ગુજરાત પ્રવાસ સામે કોંગ્રસ વિરોધ કરે એવા એંધાણ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ગાંધીનગર:
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનાં વર્ષમાં વડાપ્રધાનની આ ગુજરાતની ચોથી મુલાકાત છે. ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટમાં વડાપ્રધાનનાં આગમન ટાણે કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે મંગળવારે મહાત્મા મંદિરમાં વડાપ્રધાન હાજર રહેવાનાં હોવાથી કોંગ્રેસ દ્વારા વિરોધની શકયતા છે. જેને લઇને પોલીસ સાવધાન થઇ ગઇ છે અને એ્ન્ટી મોરચા ટીમને સજ્જ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય પર ખાસ નજર રાખવામાં આવશે.
વિધાનસભાની ચૂંટણીને લઇને રાજયમાં ગરમાઇ રહેલા રાજકીય માહોલમાં ગાંધીનગરમાં પણ બંને મોટા પક્ષો દ્વારા ચૂંટણી તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દે ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. તો ભાજપ કોંગ્રેસનાં શાબ્દીક વિરોધનો પોતાનાં શબ્દોમાં પ્રતિકાર કરી રહી છે. વાઇબ્રન્ટ દરમિયાન વડાપ્રધાનની હાજરીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસની એક ટુકડી પોલીસને અંધારામાં રાખીને મહાત્મા મંદિરનાં પાછળનાં ગેટ સુધી પહોચી ગઇ હતી અને સુત્રોચ્ચાર કર્યો હતો.