તબીબી શિક્ષકો-ડોક્ટરોની માંગણીઓ મુદ્દે અંતે નીતિન પટેલે પણ માન્ય રાખી
અમદાવાદ
તબીબી શિક્ષકો-ડોક્ટરોની માંગણીઓને લઈને ઉભી થયેલી મડાગાંઠમા અંતે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય-નાણામંત્રી નીતિન પટેલ માન્યા છે અને તેઓએ આજે સાંજે ટ્વીટર મેસેજ આપી તબીબી શિક્ષકોના પ્રશ્નો મુદ્દે મંજૂરી આપ્યાનું જણાવ્યુ હતું. જો કે બીજી બાજુ તબીબી શિક્ષકો-ડોક્ટરો જ્યા ંસુધી સરકાર તરફથી લેખિતમાં કોઈ પણ બાયંધરી ન આવે ત્યાં સુધી હડતાળ પર જવાનો નિર્ણય સ્થગિત ન કરવા મક્કમ છે.
તબીબી શિક્ષકો દ્વારા ઉચ્ચતર પગાર ધોરણ, સળંગ સેવા, પ્રમોશન સહિતના ૧૦થી વધુ પડતર પ્રશ્નોને લઈને ઘણા સમયની રજૂઆતો બાદ ફરી એકવાર આંદોલન શરૃ કરવામા આવ્યુ છે.કોરોનાની હાલની સ્થિતિમાં ડોક્ટરોનું આંદોલન સરકાર માટે મોટી મુશ્કેલી ઉભી કરે તેમ હોઈ સરકારે ગમે તેમ માંગણીઓ સ્વીકાર પડે તેમ છે.પરંતુ આરોગ્યમંત્રી નીતિન પટેલ કોરોનાગ્રસ્ત થતા તેઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં હતા અને દરમિયાન રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના ૧૭૦૦થી વધુ તબીબી શિક્ષકોના મંડળે આંદોલન શરૃ કરતા થોડા દિવસ પહેલા પ્રતિક ઉપવાસ શરૃ કર્યા હતા અને હડતાળ પર જવાની ચીમકી હતી.દરમિયાન ગૃહમંત્રી પ્રદિપ જાડેજાની અધ્યક્ષતામાં કમિટીની મીટિંગ તબીબી શિક્ષકોના એસોસિએશન સાથે થઈ હતી અને જેમાં ગૃહમંત્રીએ બે દિવસમાં ઉકેલની ખાત્રી આપ્યા બાદ તબીબી શિક્ષકો-ડોક્ટરોએ પ્રતિક ઉપવાસ છોડયા હતા અને હડતાળ પર જવાનું મોકુફ રાખ્યુ હતું.પરંતુ સરકાર તરફથી કોઈ પણ લેખિત બાયંધરી કે ખાત્રી ન મળતા આજથી ફરી એકવાર ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશને પ્રતિક ઉપવાસ સાથે આંદોલન કર્યુ હતુ.
સરકારી હોસ્પિટલોમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા તમામ સરકારી તબીબી શિક્ષકોએ ૧૩મીએ નોન કોવિડ ડયુટીમાં હડતાળ પાડવાની અને ૧૪મીથી કોવિડ ડયુટીમાં હડતાળ પાડવાની ચીમકી આપી છે. બીજી બાજુ તમામ જીએમઈઆરએસ (અર્ધ સરકારી) મેડિકલ કોલેજોના તબીબી શિક્ષકો અને સરકારી નર્સિંગ સ્ટાફ દ્વારા આજથી હડતાળ શરૃ કરવામાં આવી છે. રેસિડેન્ટ ડોક્ટરોએ અને જુનિયર ડોક્ટર એસો.દ્વારા પણ હડતાળમા ટેકો આપવાની જાહેરાત કરાતા રાજ્યની તમામ સરકારી-જીએમઈઆરએસ હોસ્પિટલોમાં સામુહિક હડતાળ સાથે કોરોનાની સારવાર બંધ થાય અને સરકાર મોટી મુશ્કેલીમાં મુકાય તેવી સ્થિતિને પગલે અંતે આરોગ્યમંત્રી નીતિન પટેલે પણ માંગણીઓ સ્વીકારી છે અને ટવીટ કરી તબીબી શિક્ષકોના પ્રશ્નો મુદ્દે મંજૂરી આપ્યાનું જણાવ્યું હતું. જો કે બીજી બાજુ ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનનું કહેવુ છે કે સરકાર તરફથી હજુ સુધી કોઈ પણ લેખિત બાયંધરી મળી નથી કે પ્રશ્નોના નિરાકરણ મુદ્દે કોઈ કાગળ મળ્યો નથી.જેથી જ્યાં સુધી તમામ બાબતોની લેખિત સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી હડતાળ પર જવાના નિર્ણય સ્થગિત નહી કરાય.