આફ્રિકન મીટથી ગાંધીનગરના વેપારીઓને ખોટ, દરરોજનું હજારનું નુકશાન
ગાંધીનગર:
ગાંધીનગરમાં નાગરિકોની સુવિધા માટે ખાણીપીણી બજાર બનાવવામાં આવ્યું છે, પરંતુ જેમને આ બજારમાં દુકાન નથી મળી તેઓ માર્ગ પર લારી-ગલ્લા રાખીને વેપાર કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ જ્યારે પણ મહાત્મા મંદિરમાં દેશ વિદેશના મહાનુભાવો હાજરી આપવાના હોય તેવા કાર્યક્રમ હોય ત્યારે ઘ-5થી ગ-5 સુધીના માર્ગ પરના ખાણીપીણીના વેપારીઓના ધંધા-રોજગાર પર ગ્રહણ લાગી જાય છે. હાલ આફ્રિકન ડેવલોપમેન્ટ બેંકની સમિટ ચાલુ હોવાથી એક સપ્તાહથી વેપારીઓનો ધંધો-રોજગાર ઠપ પડ્યા છે.
ધંધા-રોજગાર બંધ રહેતા તે માર્ગ પર વેપાર કરતાં લારી ગલ્લાના વેપારીઓને રોજ 1 હજાર રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે. એક સપ્તાહથી બંધ ધંધા-રોજગારથી વેપારીઓના પરિવાર પર આર્થિક ભારણ વધી ગયુ છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર બન્યા બાદ અહીં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોના આયોજન સરકાર દ્વારા કરવામાં આવે છે. કાર્યક્રમમાં પ્રધામંત્રી અને અન્ય દેશના આગેવાનો આવતાં હોય છે. મહાનુભાવોની નજરમાં ગાંધીનગર શહેર સ્માર્ટ સિટી તરીકે દેખાય તે માટે તંત્ર દ્વારા મહાત્મા મંદિર રૂટમાં વેપાર કરતાં લારી-ગલ્લા વાળાને હટાવી દેવામાં છે.