નારદીપુરમાં કોલેરાનાં ચાર પોઝિટિવ કેસ
ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા નારદીપુર ગામમાં એક અઠવાડિયા અગાઉ ઝાડા-ઉલ્ટીનો રોગચાળો ફેલાયો હતો. અને એક પછી એક તબક્કવાર ૭૧થી વધુ દર્દીઓ નોંધાયા હતા. ત્યારે આરોગ્ય વિભાગે આ વિસ્તારના ચાર દર્દીઓના સેમ્પલ લઇને પરિક્ષણમાં મોકલ્યા તો કોલેરા જેવો ગંભીર રોગચાળો હોવાનું સામે આવ્યું છે. ચારેય સેમ્પલ પોઝિટિવ આવ્યા છે.જેમાં પાંચ વર્ષનો બાળક પણ સામેલ છે તેવી સ્થિતિમાં આરોગ્ય અને સ્થાનિક તંત્ર પણ દોડતું થઇ ગયું છે. કેરીનો રસ પીવાથી ફેલાયેલા આ રોગચાળાને લઇને ગ્રામજનોમાં ફફડાય ફેલાઇ રહ્યો છે ત્યારે ગામમાં પાણીની પાઇપલાઇન તપાસવા માટે પણ આદેશ કલેક્ટરે આપી દીધા છે.
ઉનાળાની શરૃઆત થાય તે પહેલા દર વખતની જેમ આ વખતે પણ ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પાણીજન્ય રોગચાળો ફાટી ન નીકળે તે માટે શહેર તેમજ ગામોમાં જ્યાં પાણીનું વિતરણ કરવામાં આવે છે તે તમામ જગ્યાએ ક્લોરિનેશનની માત્રા જળવાઇ રહે તે માટે સુચના આપવામાં આવે છે. આ ઉપરાંત સ્થાનિકકક્ષાએ બરફ અને શરેડી તેમજ પાણીપુરી સહિત અખાદ્ય ચીજવસ્તુની વેચાણ કરતા વેપારીઓની તપાસ કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે તેમ છતા જરૃરી કામગીરીના અભાવે પાણીજન્ય રોગચાળો ફેલાય છે. આવી જ સ્થિતિ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા નારદીપુર ગામમાં જોવા મળી છે. નારદીપુર ગામમાં એક અઠવાડિયા અગાઉ લગ્નપ્રસંગમાં કેરીના રસ પીવાના કારણે ઝાડા-ઉલ્ટીના કેસ પ્રકાશમાં આવ્યા હતા.
એક પછી એક તબક્કાવાર દર્દીઓની સંખ્યા વધતી જ ગઇ હતી જેને લઇને આ ઝાડા-ઉલ્ટીના રોગચાળામાં ૭૧થી વધુ ગ્રામજનો સપડાયા હતા. ત્યારે આખરે આરોગ્ય તંત્રએ તા.૨૨મીએ દર્દીના સેમ્પલ લઇને તેને પરિક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યું હતું. જેમાં નારદીપુરમાં થયેલો ઝાડા-ઉલ્ટીનો રોગચાળો વાસ્તવમાં કોલેરાનો હોવાનું સામે આવ્યું હતું.ગામમાં જીઇબી હુડકા વિસ્તારને અસરગ્રસ્ત જાહેર કરવામાં આળ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારમાંથી ચાર દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં પાચ વર્ષના બાળકથી લઇને ૫૦ વર્ષિય મહિલાનો પણ સમાવેશ થાય છે આ સેમ્પલ પરિક્ષણ બાદ કોલેરા પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું. એટલુ જ નહીં. સ્થાનિક તંત્ર સાથે મળીને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ટેબલેટનું વિતરણ કર્યું હતું જ્યારે જનજાગૃતિ માટે વડિલોને રોગચાળા અંગે માહિતગાર પણ કર્યા હતા.તો બીજીબાજુ કલેક્ટરે આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી પાસેથી રોગચાળાની વિગતો મંગાવી હતી અને ગામમાં પાણીનું વિતરણ કરવામાં આવતી પાઇપલાઇનની તપાસ કરવા પણ સુચના આપી છે.