ગુજરાતમાં બે દિવસ બંધ રહેશે રસીકરણ, CM રૂપાણીએ આપ્યા આદેશ
ગાંધીનગર :
કોરોના વાયરસના સંકટની વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનો સંભવિત ખતરો દેખાઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં વેક્સિનની કામગીરી પર વાવાઝોડાનિય અસર દેખાઈ રહી છે. રાજ્યમાં આગામી બે દિવસ માટે રસીકરણ અભિયાન બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વાવાઝોડાને પહોંચી વળવા માટે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તંત્ર દોડધામ કરી રહ્યું છે ત્યારે રાજ્યમાં આગામી બે દિવસ સુધી રસીકરણને રોકી દેવા માટે સીએમ રૂપાણીએ આદેશ આપ્યા છે. 17 તથા 18 મેના રોજ રસીકરણ બંધ રાખવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી આ મુદ્દે તમામ જિલ્લાઓને સૂચના આપી દેવામાં આવી છે.
આ સિવાય તૌકતે વાવાઝોડાને લઇ સીએમ રૂપાણીએ નિવેદન આપ્યું કે સૌરાષ્ટ્ર ઉપર વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના ત્યારે વાવાઝોડાથી વધુ નુકસાન ન થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. તમામ માછીમારો અને અગરિયાઓને સલામત સ્થળે ખસેડાયા છે. દરિયાપટ્ટી ઉપર વસતા લોકોનું આવતીકાલથી સ્થળાંતર શરૂ કરાશે. સીએમ રૂપાણીએ કહ્યું કે સૌરાષ્ટ્રમા 85 ICU એમ્બ્યુલન્સ તૈયાર રાખી છે. પોરબંદર, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદને સાવચેત કરાયા છે અને કાચા મકાનો, હોર્ડિંગ ઉતારી લેવા સૂચના આપી છે. સાથે જ કોવિડ હોસ્પિટલમા ફરજિયાત જનરેટર રાખવાની સૂચના આપવામાં આવી છે.