કોલેરાનો કેસ મળતાં શહેરની તમામ બાંધકામ સાઇટ પર તપાસનો આદેશ અપાયો
ગાંધીનગર:
કાળઝાળ ગરમીમાં માથું ઉંચકતા કોલેરાએ પાટનગરમાં હાજરી પુરાવી દીધી છે. તે પણ વિધાનસભાની ઇમારતના ચાલી રહેલા નવીનીકરણની કામગીરીમાં મજુરી કામે આવેલા પરપ્રાંતિય મજુરને કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદીએ જણાવ્યું કે, રોગચાળાના મુદ્દે પગલા ભરવામાં કોઇ કચાસ રખાઇ નથી અને મહાપાલિકા વિસ્તારમાં સરકારી અને ખાનગી તમામ બાંધકામ સાઇટ પર તપાસ કરવા કહેવામાં આવ્યું છે.
મેડિકલ ઓફિસર દિનેશ બારોટે જણાવ્યું કે વિધાનસભાની બાંધકામ સાઇટ પર કોન્ટ્રાક્ટર દ્વારા તબીબની વ્યવસ્થા રખાઇ છે અને તેના દ્વારા સાદા ઝાડાના દર્દી બનેલા 17 જેટલા મજુરોની સારવાર પણ કરવામાં આવી રહી હતી. દરમિયાન મજુરો સ્વાભાવિક રીતે અહીંના બોરનું પાણી પણ પીતા હતા અને છેલ્લા સપ્તાહમાં અહીં મટન અને ઇંડા પણ ખવાયા હતાં. હવે અહીં મજુરોનું દરરોજ સ્ક્રીનીંગ કરવાનું શરૂ કરી દેવાયું છે. તેમાં એક મજુરનો સ્ટુલ રિપોર્ટ કોલેરાનો આવતાં તમામ મજુરોને અને સાઇટ પરના અધિકારીઓને રોગચાળાથી બચવા માટે લેવાની કાળજીની સમજ પણ અપાઇ છે.