પાટનગરમાં સોમવારે સવારથી પ્રતિ કલાક 20 કિમીની ઝડપે પવન ફુંકાયો, 9 મીમી વરસાદ પડ્યો
તાઉતે વાવાઝોડાની અસર જિલ્લામાં જોવા મળતા સોમવારે બપોરે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. પવન સાથે આવેલા વરસાદને પગલે અનેક હોડિંગ્સ, ઝાડની ડાળીઓ તુટી પડી હતી. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓને બાંધવાના તબેલાના તેમજ ઘરના પતરા ઉડી ગયા હતા. જોકે સોમવારે જિલ્લામાં કોઇ જાનહાનીના સમાચાર નહી મળતા તંત્રને રાહત થઇ હતી. ગુજરાતના દરીયાકિનારે ત્રાટકનાર તાઉતે વાવાઝોડાને પગલે રાજ્ય સરકાર એલર્ટ મોડમાં આવી ગઇ છે.
પરંતુ તેની અસર રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લામાં જોવા મળી છે. ગત રવિવારે મીની વાવાઝોડાને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓને તબેલાના પતરા ઉડી જવાના બનાવો છાલા પંથકના ગામોમાં બન્યા હતા. સોમવારે વાવાઝોડાની અસરને પગલે સવારથી પ્રતિ કલાક 20 કિમીની ઝડપે પવન ફુંકાતો હતો. વાવાઝોડાની પગલે ગ્રામજનોની નિંદર હરામ બની હતી.
સોમવારે બપોર પછી વાવાઝોડા અને ગાજવીજ સાથે ત્રાટકેલા વરસાદને પગલે નગરના માર્ગો ઉપર પાણી ફળી વળ્યા હતા. વાવાઝોડા સાથે પડેલા વરસાદને પગલે અનેક ઝાડના ડાળીઓ તુટી પડી હતી. ઉપરાંત માર્ગો ઉપર ઉભા કરેલા હોડિંગ પડી ગયા હતા. જ્યારે અમુક જગ્યાએ ભયજનક હોડિંગને નીચે ઉતારી લેવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.
TDO, પ્રાંત અધિકારી ગામડાઓની મુલાકાતે
વાવાઝોડાની આગાહીને પગલે તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા છે. તેમ છતાં ગાંધીનગર તાલુકાના અમુક ગામોમાં પતરા ઉડી જવાની ઘટના બની હતી. આથી તાલુકા વિકાસ અધિકારી જી.એ.ધાંધલિયા અને પ્રાંત અધિકારીએ જાખોરા, છાલા અને મોતીપુરા ગામોમાં ગામો તેમજ પશુઓના તબેલાના પતરા ઉડ્યા છે. વીજ પોલ પડી જવાની ઘટના બની છે. પરંતુ કોઇ જ જાનહાની થવા પામી નથી તેમ ટીડીઓએ જણાવ્યું છે.
24 કલાકમાં મહત્તમ તાપમાનમાં 8 ડિગ્રીનો ઘટાડો
વાવાઝોડાને પગલે ગત રવિવારે 1મીમી વરસાદ ખાબક્યો હતો. માત્ર 24 કલાકમાં જ નગરના તાપમાનમાં 8 ડીગ્રીનો ઘટાડો નોંધાયો છે. રવિવારે મહત્તમ તાપમાન 44 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 30.5 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે સોમવારે મહત્તમ તાપમાન 36 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડીગ્રી નોંધાયું છે. જ્યારે વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 74 ટકા અને સાંજે 81 ટકા રહ્યું હતું. ઉપરાંત સોમવારે 9 મીમી વરસાદ પડ્યો હતો.
લાંબા અંતરની, દરિયાઈ વિસ્તારની બસોને બંધ કરી દેવામાં આવી
વાવાઝોડાને પગલે લાંબા અંતરની તેમજ દરીયાઇ વિસ્તારની સોમનાથ, દ્વારકા, જામનગર, દમણ, દીવ, ભાવનગર સહિતની બસોને બંધ કરી દેવામાં આવી છે. ઉપરાંત લાંબા અંતરની બસોના ડ્રાઇવર અને કંડક્ટરોને ડેપોમાં પુછપરછ કરીને જ આગળ જવાની કડક સુચના આપી છે. જો આગળ વાવાઝોડાની વધુ અસર થઇ હોય તેવા સમાચાર મળે તો તાત્કાલિક અસરથી બસને ડેપોમાં જ રાખીને મુસાફરોને સલામત સ્થળે મોકલી દેવાની સુચના આપી હોવાનું ડેપો મેનેજર કિર્તનભાઇ પટેલે જણાવ્યું છે.
માણસાના નદી કિનારાનાં 12 ગામોને એલર્ટ કરાયાં
તાઉતે વાવાઝાડાને પગલે માણસા તાલુકામાં આવેલ નદી કિનારાના મહુડી, વરસોડા, લાકરોડા સહિત 12 જેટલા ગામોને વાવાઝોડાના કારણે ભારે પવન અને વરસાદની સ્થિતિમાં એલર્ટ રહેવા જણાવાયું છે. ઉપરાંત આ ગામના નદી કિનારે રહેતા અને નીચાણવાળા વિસ્તારના આશરે અઢીસોથી ત્રણસો માણસોને સલામત સ્થળે સ્થળાંતર કરી દીધા છે. તાલુકાના મુખ્ય હાઇ-વે પર લગાવેલા મોટા બેનર અને હોર્ડિંગ્સ ને પણ વહીવટી તંત્રએ ઉતારી લીધા છે તો માણસા નગરપાલિકા દ્વારા પણ શહેરના આંબા તળાવ, કલોલ રોડ પર કાચા છાપરામાં રહેતા 300 જેટલા લોકોને કોમ્યુનિટી હોલ અને ટાઉન હોલમાં સ્થળાંતરિત કરાયા છે. આ ઉપરાંત રીદ્રોલ તેમજ ઇટાદરા ગામમાં ચોમાસામાં વરસાદી પાણી ભેગું થતું હોય તેવા ઢોળાવ વિસ્તારમાં રહેતા લોકોને અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. ઉત્તર ગુજરાત વીજ કંપની તરફથી પણ વીજ પુરવઠો ખોરવાય તો તેવા સંજોગોમાં લાઈનમેન કર્મચારીઓને સ્ટેન્ડ ટુ રાખ્યાં છે.
હેમ રેડિયોની ટીમો માહિતીની આપ-લે માટે સંપર્ક સેતુ બનશે
તાઉતે વાવાઝોડા અન્વયે હેમ રેડીયોની ટીમ કાર્યરત કરાઈ છે. સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમ ખાતે હેમ રેડીયો સ્ટેશન ઉ૫રાંત એક ટીમ ભાવનગર તથા રાજકોટથી એક ટીમ પોરબંદર ખાતે હેમ રેડીયો સેટ સાથે મોકલાઈ છે. જે બન્ને ટીમો વાવાઝોડાને લગતી માહીતી સ્થાનિક એજન્સીઓને આ૫શે તથા સ્ટેટ ઓથિરિટી દ્વારા અપાતી સુચના તથા માહિતિ સ્થાનિક ઓથોરીટીને આ૫શે. અન્ય ૫ડોશી રાજ્યોના હેમ મેમ્બર્સના સંપર્કમાં રહી વાવાઝોડાની માહીતી મેળવશે. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેચ્યોર રેડીયો સંસ્થા દ્વારા અન્ય જરૂરિયાત જણાય તો બીજી 5 ટીમ સ્ટેન્ડ બાય રખાય છે. જે અંગે રાજ્ય સરકારના સં૫ર્કમાં રહી સંસ્થાના જનરલ સેક્રેટરી ડો. જગદીશ પંંડયા તથા પ્રવીણ વલેરાએ સમગ્ર આયોજન કર્યું છે.
તાઉતે વાવાઝોડાને પગલે કોર્પોરેશન તંત્ર એલર્ટ પર, ફાયર સહિતની ટીમો સ્ટેન્ડબાય રખા
તાઉતે વાવાઝોડુને પગલે કોર્પોરેશન અને જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. વાવાઝોડાની ગાંધીનગર જિલ્લામાં સંભવિત અસર થાય તો જાનમાલને ઓછામાં ઓછુ નુકસાન થાય તે માટે તંત્ર દ્વારા તૈયારી કરી દીધી છે. ફાયર સ્ટેશન ખાતે 24 કલાક માટે કંટ્રોલરૂમ ઊભો કરાયો છે. જેમાં મનપાના 2 વહીવટી અધિકારીઓને 12-12 કલાકના સુપરવિઝન માટેની જવાબદારી સોંપાઈ છે. મનપાની ઈજનેર અને ઈલેક્ટ્રિક શાખા, સ્માર્ટ સિટીના અધિકારી-કર્મચારીઓને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જવાબદારીઓ સોંપી દેવાઈ છે. જેમાં શહેરમાં ઝાડ પડી જવાથી રોડ બ્લોક થાય તો, ઝાડની ડાળીઓ નમી પડે તો, શેલ્ટર હોમ ખાતે આશ્રિતોને જરૂરિયાત મુજબ ભોજનની વ્યવસ્થા, બાંધકામ સાઈટ પર મજૂરોની સુરક્ષા, માટે અલગ-અલગ અધિકારી-કર્મચારીઓને જવાબદારી સોંપાઈ છે. વીજળી ડુલ થાય તો તાત્કાલિક યુજીવીસીએલ અને ટોરેન્ટના સંપર્કમાં રહીને લાઈટો ચાલુ કરાવવા માટે પણ કામગીરી સોંપાઈ છે.
મનપા વિસ્તારમાં તંત્રની તૈયારીઓ, આદેશ
- અધિકારી-કર્મચારીઓને ફોન સતત ચાલુ રાખવા કહેવાયું
- લેખિત મંજૂરી સિવાય હેડ ક્વાર્ટ્સ ન છોડવા આદેશ કરાયો
- કચેરીના સમય સિવાય પણ બોલાવવામાં આવે ત્યારે હાજર રહેવા પરિપત્ર કરાયો
- વોટર ટેન્કરો ભરીને મુકી દેવાયા, સાધનોમાં ડિઝલ ફૂલ કરીને જેસીબી સ્ટેન્ડબાય રખાયા
- સંભવિત જરૂરિયાતને જોતા સફાઈ કામદારોને પણ મોડા સુધી રોકાવવા માટે કહી દેવાયું.
- શહેર વિસ્તારમાં જોખમી લાગતા હોર્ડિંગ્સ અને બેનર્સ ઉતારી લેવાયા.
- સંભવિત જરૂરિયાતને પહોંચી વળવા વિવિધ દવાનો જથ્થો અલગ કરી દેવાયો.
કાચાં મકાનો, ઝુંપડાવાસીઓ માટે સેક્ટર-28ના શેલ્ટર હોમ ખાતે વ્યવસ્થા કરાઈ
વાવાઝોડાની અસરને પગલે શહેરમાં સેક્ટર-6,13, 14, 24 રહિતના વિસ્તારમાં આવેલા ઝુંપડાવાસીઓ અને કાચા મકાન ધરાવતા નાગરિકો માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઈ છે. જેમાં સે-28 લગ્નવાળી ખાતે શેલ્ટરહોમ ઊભું કરાઈને ગાદલા સહિતનો સામાન મુકી દેવાયો છે. આ સાથે આવેલા નાગરિકોને અહીં જ ભોજન બનાવીને આપવા માટે પણ કામદારો મુકી દેવાયા છે. શેલ્ટર હોમમાં આવતા નાગરિકોને કોરોના ટેસ્ટ કરાશે તેમાંથી જે પોઝિટિવ આવશે તેને સે-17 ખાતે કોરોના સેન્ટર ખાતે મોકલી અપાશે.