ગુજરાત

ગુજરાતમાં તાઉ‌ તે વાવાઝોડાથી તારાજી : જ્યાં જુઓ ત્યાં તબાહીનો મંજર, અનેક વૃક્ષો ધરાશાયી

તાઉ-તે વાવાઝોડું ગત રોજ રાતે ઉના પાસે ગુજરાતના કિનારે ત્રાટક્યું હતું. આ સાથે જ વાવાઝોડાના કારણે જ્યાં જુઓ ત્યાં તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભારે પવનને કારણે સંખ્યાબંધ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં. મોટા ભાગના રસ્તાઓ પર મોટી સંખ્યામાં વૃક્ષો પડી ગયાં હોવાથી રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જ્યારે વીજપોલ પડવાને કારણે ઘણા વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. અત્યાર સુધીમાં જાનહાનિ ન થઈ હોવાનું જાણવા મળ્યું છે. વાવાઝોડું ટકરાયા બાદ સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.તાઉ-તે વાવાઝોડું દીવના વણાંકબારાએ ટકરાયું છે અને હાલ વાવાઝોડું અમરેલીથી નીકળી ગઢડા તરફ આગળ વધ્યું છે.અમરેલી-જાફરાબાદ સાથે ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભાવનગરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. ગતરાતથી વાવાઝોડાએ ઉનાથી લઈને ભાવનગર સુધી તબાહી મચાવી છે.

વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશીને પોતાની અસર દેખાડી રહ્યું છે. સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનાર સહિતના દરિયાઈ વિસ્તારોમાં 130 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. પરંતુ હજી સુધી જાનહાનિના કોઈ સમાચાર પ્રાપ્ત નથી થયા. સોમનાથમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. અહીં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે સાથે ધોધમાર વરસાદની શરૂઆત પણ થઈ હઈ છે. સમગ્ર શહેરી વિસ્તાર સહિત પંથકમાં લાઇટો ગુલ થઈ છે. તો બીજી તરફ રાજકોટના આટકોટ, જસદણ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

જૂનાગઢમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. મધરાતથી જ શહેરમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો હતો. જેને પગલે શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની હતી. આ ઉપરાંત શહેરના ગાંધીચોક વિસ્તારમાં સિટી રાઇડ બસ પર હોર્ડિંગ પડ્યું હતું. જેને પગલે ગાંધીચોકથી રેલવે સ્ટેશન સુધી જવાનો રસ્તો બંધ થઈ ગયો. ત્યારે પાલિકાને આ ઘટનાની જાણ થતા હોર્ડિંગને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

રાજકોટમાં મોડી રાતે 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે. એટલું જ નહીં તોફાની પવન સાથે મધરાતે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. જેને લઇને જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને લોકોને કારણ વગર બહાર ન નીકળવા માટે અપીલ કરી હતી. દરિયાકાંઠાના વિસ્તારોમા ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ઉના અને ગીર ગઢડામાં વૃક્ષો, વિજપોલ અને સોલાર પેનલ ધરાશાયી થયાના અહેવાલ છે. મોબાઈલ ટાવર ધરાશાયી થવાના કારણે જાફરાબાદના અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ઉનામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x