ગાંધીનગર

સરકાર હવાઈ નિરીક્ષણ પછી જાગે અને સાગરખેડુ-ખેડુતો અને ગરીબોને ૧૦૦ ટકા વળતર ચુકવે : પરેશ ધાનાણીની માંગણી

રાજયમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલ અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જિલ્લાઓને તૌકતે વાવાઝોડાએ તબાહ કરી દીધા છે ત્યારે દેશના પ્રધામંત્રીશ્રી અને રાજયના મુખ્યમંત્રીશ્રી હવામાં ઉડીને નિરીક્ષણ કર્યું છે. એ જ સમયે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી આ અસરગ્રસ્ત વિસ્તારોમાં રૂબરૂ ઘરે-ઘરે અને ખેતરે-ખેતરે જઈને અસરગ્રસ્ત લોકોની મુલાકાત કરી રહ્યા છે અને દયનીય સ્થિતિનો સામનો કરી રહેલા લોકોની વેદનાઓ સાંભળી રહ્યા છે

રાજયમાં વાવાઝોડાની ગંભીર સ્થિતિમાં સુતેલી સરકાર જાગે, હવાઈ નિરીક્ષણ બંધ કરીને જમીન ઉપર ઉતરે, લોકોની સમસ્યાઓને સાંભળે, સમજે અને ખરેખર થયેલ નુકસાનનો સર્વે કરી સત્વરે ૧૦૦% વળતર ચૂકવે એવી લાગણી અને માંગણી વિપક્ષ નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ સરકાર સમક્ષ વ્યક્ત કરી છે.
શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, અતિવિનાશક વાવાઝોડું ૨૧૦ કિલોમીટરની તીવ્ર ઝડપે દરિયાકાંઠે ખાબકયું અને કોડીનારથી મહુવા વચ્ચેના આખાય દરિયાકાંઠા સહિત ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના ગામડાઓને તબાહ કરી દીધા છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે, ૫૦ વર્ષ જુનું આંબાવાડિયું, કેસર કેરીનો બગીચો, બાળકની જેમ ઉછેરેલા છોડ આજ પુખ્તવયે થયા અને આવક આપતા થયા હતા અને પચાસ વર્ષ જૂના ઝાડ વાવાઝોડાની એક જ ઝપટે જમીનદોસ્ત થઈ ગયા, જડમૂળથી ઊખડી ગયા, તેમજ નાળિયેરીઓ ૫ વર્ષથી ૨૫, ૩૦, ૪૦ વર્ષ જૂના થડીયા કે જેના ઉપર ખેડૂતોના ઘરનું ભરણપોષણ થતું હતું, આ બધી જ નાળિયેરીને વાવાઝોડાએ જડમૂળથી ઉખેડી ફેંકી દીધી.

વિપક્ષ નેતાશ્રીની ઉના તાલુકાના અંજાર ગામની મુલાકાત દરમિયાન ખૂબ વરવા દ્રશ્યો નજર સામે આવી રહ્યા હતા. શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, આવા દ્રશ્યો જોઈને ખૂબ જ દુઃખ થાય છે કે એકબાજુ જમીનને ધાવી અને જીવનનું ભરણપોષણ કરનારો ખેડૂત આજે પાયમાલ થઈ ગયો છે. નાળિયેરી અને કેરી જેવા બાગાયતી પાકના બગીચા સહિત ઉનાળુ પાક રફે-દફે થઈ ગયા, ઘરની અંદર ક્યાંક તલ, ડુંગળી કે જૂના પાકો કોરોનાના કારણે માર્કેટિંગ યાર્ડમાં ખરીદી બંધ હોવાથી વેચાણ વગરના પડ્યા રહ્યા હતા એ આ તૌકતે વાવાઝોડાની અંદર સ્વાહા થઇ ગયા અને બીજી તરફ દરિયાકાંઠે સાગરખેડુ પણ પાયમાલ થયા છે, સાગરખેડુની પણ લગભગ બધી જ બોટોને ૩૦% થી ૯૦% અને ક્યાંક ૧૦૦% જેટલું નુકસાન થયું છે અને અમુક બોટોએ તો જળસમાધી પણ લઇ લીધી છે. કોઈ માછીમારનો દીકરો ઘર પહેલા બોટ વસાવે કે જ્યાંથી એના પરિવારનું ભરણપોષણ થાય, આજ માછીમારો એવા સાગરખેડુ પણ પાયમાલ છે અને જમીન ઉપર નભતા ખેડૂતો પણ પાયમાલ થઈ ગયા છે અને ગરીબ માણસોના લગભગ ગામ દીઠ ૫૦થી ૧૦૦ ખોરડાના નળિયા ઉડી ગયા છે, પતરા ઉડી ગયા છે, સિમેન્ટની શીટો ઉડી ગઈ છે, કાચી દીવાલ ધસી પડી છે, એની ઘરવખરી ક્યાંક પલળી ગઈ કે વાવાઝોડાની ફુંક ભેગી રફે-દફે થઈ ગઈ છે.

આવી ગંભીર સ્થિતિમાં આ સુતેલી સરકાર જાગે, હવાઈ નિરીક્ષણ બંધ કરી જમીન ઉપર ઉતરે, લોકોની સમસ્યાઓને સાંભળે, સમજે અને સત્વરે આનો સર્વે કરી ૧૦૦% વળતર ચૂકવે એવી લાગણી અને માંગણી અમે સરકાર સમક્ષ વ્યક્ત કરીએ છીએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x