સરકાર પાસે અત્યારે મ્યુકોરમાઇકોસિસનાં ઈન્જેક્શનનો પૂરતો જથ્થો નથી
ગુજરાતમાં છેલ્લા અઢી મહિના કરતાં વધુ સમયથી કોરોનાની બીજી લહેર કહેર મચાવી રહી હતી, જેમાં સરકારની કામગીરી સામે અનેક સવાલો ઊઠ્યા હતા. એમાંથી પણ બોધપાઠ ના લેતાં રાજ્યમાં હાલ ફરી એકવાર મેડિકલ ઈમર્જન્સી જેવી સ્થિતિ સર્જાઈ છે, કેમ કે સરકાર પાસે અત્યારે મ્યુકોરમાઇકોસિસનાં ઈન્જેક્શનનો પૂરતો જથ્થો નથી, કોરોનાને કાબૂમાં લેવા માટેની અકસીર એવી વેક્સિનનો પણ પૂરતો જથ્થો નથી. કોરોનાની ટેસ્ટ કરવાની કિટ્સ પણ પૂરતી નથી. આ સંજોગોમાં સામાન્ય માણસ અને દર્દી બિચારો બની રઝળપાટ કરી રહ્યો છે.
ઈન્જેક્શનની અછત
ગુજરાતમાં કોરોનાના કેસો ઘટી તો રહ્યા છે, પણ મ્યુકોરમાઇકોસિસ જેવો ગંભીર રોગ ઊભો થયો છે. દિવસે ને દિવસે મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ અને મોતનો આંકડો વધી રહ્યો છે, જેને કારણે સરકાર પાસે હોસ્પિટલમાં પૂરતા વોર્ડ કે દવાઓ કે સર્જન ના હોવાથી સારવારમાં ઢીલાશ થઈ રહી છે. ખાસ કરીને મ્યુકોરમાઇકોસિસ માટેનાં ખાસ ઇન્જેક્શન પણ બજારમાં મળતાં નથી, સરકારી હોસ્પિટલમાં લિમિટેડ સ્ટોક છે, જેથી દર્દીઓનાં સગાં દોડાદોડી કરી રહ્યાં છે. પરિણામે, કોરોનાના રેમડેસિવિર ઈન્જેક્શનની જેમ આ ઈન્જેક્શનની પણ અછત વર્તાઈ છે, જેને કારણે આવાં ઇન્જેક્શનનાં કાળાં બજારા પણ થઈ રહ્યાં છે.
વેક્સિનનો જથ્થો જ નથી
આ અગાઉ કોરોનાને કાબૂમાં લેવા માટે સરકારે વેક્સિનેશન શરૂ કર્યું હતું, પરંતુ વેક્સિનમાં પણ ધાંધિયા ચાલુ થઇ ગયા હતા. અમુક જ દિવસે, અમુક જ કેન્દ્રોમાં અને અમુક જ ઉંમરનાને વેક્સિન આપવામાં આવી રહી છે. તેમાં પણ બીજો ડોઝ બાકી હોય તેવા લોકોને પણ રોજેરોજ ધક્કા ખાવા પડે છે. 18થી 45 વર્ષની વયના લોકોને વેક્સિન લેવી છે, પણ રજિસ્ટ્રેશન થતું નથી. રજિસ્ટ્રેશન થાય તો સેન્ટર પર વેક્સિનનો પૂરતો જથ્થો હોતો નથી. પરિણામે, ગુજરાતની જાગ્રત જનતાને પણ કોરોનાથી બચવા માટે વેક્સિન લેવી છે, પણ સરકાર પાસે વેક્સિનનો પૂરતો જથ્થો જ નથી.
કોરોના ટેસ્ટ માટેની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે
આ જ પ્રમાણે કોરોનાના કેસો કાબૂમાં આવી ગયા હોવાનું સરકાર રોજેરોજ કહે છે, પણ એનું મુખ્ય કારણ કોરોનાના ટેસ્ટ જ ઓછા કરી દીધા છે, હાલ પણ અનેક લોકોને કોરોનાનાં લક્ષણો હોય અને ટેસ્ટ કરાવવા જાય તો રેપિડ ટેસ્ટના ડોમ બંધ છે. મોટા ભાગની સરકારી હોસ્પિટલમાં RT-PCRના ટેસ્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી કોરોનાનાં સામાન્ય લક્ષણો ધરાવતી વ્યક્તિ આમ તેમ ધક્કા ખાઈ રહી છે.
ઈન્જેક્શન લેવા આવેલાને પોલીસ-બાઉન્સરથી ડરાવાયા
એલજી હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવા આવેલા દર્દીઓનાં 150થી વધુ સ્વજનો સાથે એલજી હોસ્પિટલના બાઉન્સરોએ ગેરવર્તન કરતાં મામલો બિચક્યો હતો. એક તબક્કે એકથી બીજી હોસ્પિટલ દોડતાં દર્દીનાં સગાં નારાજ હતાં, ત્યાં બાઉન્સરોએ ઉગ્ર વ્યવહાર કરતાં પરિસ્થિતિ પર નિયંત્રણ લાવવા માટે મણિનગર પોલીસને બોલાવવી પડી હતી. પોલીસે દર્દીના સગાને સમજાવી પરિસ્થિતિ શાંત કરી હતી.