ગુજરાત

વાવાઝોડાથી બાગાયતી પાકને થયેલ નુકશાની અંગે આંબાના ઝાડદીઠ રૂ. ૨,૮૦,૦૦૦નું વળતર આપે સરકાર : પરેશ ધાનાણી

તૌકતે વાવાઝોડાના કારણે બાગાયતી પાક કેરી તથા આંબાને થયેલ નુકશાની અંગે આંબાના ઝાડદીઠ રૂ. ૨,૮૦,૦૦૦નું વળતર ચૂકવવા વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીની માંગણી
તૌકતે વાવાઝોડાના કારણે બાગાયતી પાક કેરી તથા આંબાને થયેલ નુકશાનીનું વળતર સત્‍વરે ચૂકવવા અંગે વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ આજરોજ માનનીય મુખ્‍યમંત્રીશ્રીને પત્ર લખી માંગણી કરી હતી.
વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, અરબી સમુદ્રમાંથી ઉદ્‌ભવેલ તૌકતે વાવાઝોડના કારણે સૌરાષ્‍ટ્રના ગીર-સોમનાથ, જુનાગઢ, અમરેલી વગેરે જિલ્લાઓ અતિશય પ્રભાવિત થયેલ છે અને આ જિલ્લાઓમાં અત્‍યંત તારાજી સર્જી છે. સદર વાવાઝોડાએ કૃષિ ક્ષેત્રે ખૂબ મોટો વિનાશ સર્જ્‍યો છે. આ તારાજીના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતોના કૃષિ પાકો સાફ થઈ ગયા છે અને બાગાયતી પાક ઝાડ સહિત ૧૦૦% નાશ પામ્‍યા છે.
સરકારશ્રીના મહેસુલ વિભાગના તા. ૨૭-૪-૨૦૧૫ના સંકલિત ઠરાવથી કુદરતી આપત્તિઓના કારણે થતા માનવ મૃત્‍યુ, પશુ મૃત્‍યુ/ઈજા તેમજ સ્‍થાવર-જંગમ મિલ્‍કતને થતા નુકસાન માટે નાણાંકીય સહાય ચૂકવવાના ધોરણો નક્કી થયેલ છે. આ ધોરણોમાં કૃષિ સહાય અંગે પિયત/બિનપિયત જમીનો બે હેક્‍ટર અને બે હેક્‍ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને પ્રતિ હેક્‍ટર સહાય નક્કી કરેલ છે, જે દર વર્તમાન સંજોગોમાં અપૂરતા છે. સદર ઠરાવમાં કેરી સહિતના બાગાયતી પાકોનો સમાવેશ કરવામાં આવેલ નથી.
તૌકતે વાવાઝોડાને કારણે ગીર-સોમનાથ, જુનાગઢ, અમરેલી જિલ્લાના મોટાભાગના ખેડૂતો કે જે કેસર કેરીના પાક પર નિર્ભર છે, તેવા ખેડૂતોનો કેરીનો પાક ૧૦૦% નાશ પામેલ છે, ખૂબ મોટા પ્રમાણમાં આંબાના વૃક્ષો પણ નાશ પામેલ છે, જેના કારણે આવા ખેડૂતો આગામી દસ વર્ષ સુધી બેઠા થઈ શકશે નહીં અને આવા બાગાયતી પાક પર નભતા ખેડૂતો દસ વર્ષ સુધી આવક લઈ શકશે નહીં.
મુખ્‍ય બાગાયતી કેરીના પાક અંગે ખેડૂતોને આંબાના રોપ – રૂ. ૨૫૦, ખાડો ખોદવા માટે – રૂ. ૮૦, વાવેતર
માટે – રૂ. ૮૦, દવા, ખાતર માટે – રૂ. ૨૫, પાણી તથા મજુરી ખર્ચ પેટે – રૂ. ૧૦૦ મળી કુલ રૂ. ૫૦૦ પ્રતિ આંબાદીઠ વાવવાનો ખર્ચ થાય છે. ૧૦ વર્ષના આંબાની કેરીની આવક પ્રતિ વર્ષ આંબાદીઠ ૭૦૦ કિલો x રૂ. ૪૦ પ્રતિ કિલો ભાવ ગણતાં કુલ
રૂ. ૨૮,૦૦૦ એક આંબાદીઠ કમાણી થાય. એટલે ૧૦ વર્ષની કમાણી ૧૦ વર્ષ x રૂ. ૨૮,૦૦૦ પ્રતિ વર્ષ = કુલ રૂ. ૨,૮૦,૦૦૦ થાય. બાગાયતી પાક કેરી પર નભતા ખેડૂતોને થયેલ નુકસાન અન્‍વયે આ મુજબ સહાય ચૂકવવાની થાય. જેથી બાગાયતી પાક કેરી અને આંબાના ઝાડને થયેલ નુકસાનનો યુદ્ધના ધોરણે સર્વે કરાવી, આવા બાગાયતી પાક પર નભતા ખેડૂતોના હિતમાં યોગ્‍ય નિર્ણય કરી, સૂચવ્‍યા મુજબનું વળતર સમયમર્યાદામાં ચૂકવવા વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ રાજ્‍ય સરકાર સમક્ષ માંગણી કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x