ગાઝિયાબાદના એક દર્દીમાં બ્લેક, વ્હાઇટ અને યલો એમ ત્રણેય ફંગસનાં લક્ષણો
બિહાર અને મધ્યપ્રદેશ પછી હવે ઉત્તરપ્રદેશમાં પણ વ્હાઇટ ફંગસે પગ પેસારો કર્યો છે. અહીં ગોરખપુરના BRD મેડિકલ કોલેજમાં 3 દર્દી આનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. હવે વધુ સારવાર માટે આના સેમ્પલને તપાસ માટે આપવામાં આવ્યાં છે. આનો રિપોર્ટ 72થી 96 કલાક વચ્ચે આવશે. ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં એક અચરજ પમાડે એવો ભયજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક દર્દીની અંદર બ્લેક, વ્હાઇટ અને યલો એમ ત્રણેય ફંગસનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. આની સાથોસાથ ગાઝિયાબાદમાં પણ ફંગસનો કહેર વધી જવા પામ્યો છે.
બીજી તરફ, ડોક્ટર કહે છે કે જો સમયસર ફૂગની ઓળખ ન કરવામાં આવે અને એની સારવાર શરૂ ન કરવામાં આવે તો દર્દીને બચાવવો મુશ્કેલ બને છે. ફેફસાંના ચેપનું મુખ્ય કારણ વ્હાઇટ ફંગસ (કેન્ડિડોસિસ) છે. ફેફસાં ઉપરાંત એ ત્વચા, નખ, મોઢાના આંતરિક ભાગ, પેટ અને આંતરડાં, કિડની, જનનાંગો અને મગજને પણ ચેપ લગાવે છે.
એક દર્દી પર ત્રણ ફંગસનો હુમલો
ગાઝિયાબાદા સંજયનગર નિવાસી એક વ્યક્તિમાં ત્રણેય પ્રકારના ફંગસનાં લક્ષણો સામે આવ્યાં હતાં. જેની સારવાર માટે સ્થાનિક ENT ડૉકટરની ટીમ તપાસમાં લાગી છે. ગાઝિયાબાદની ખાનગી હોસ્પિટલોમાં અત્યારસુધી બ્લેક, વ્હાઇટ ફંગસના 26 કેસ સામે આવ્યા છે. હિસ્ટોપેથોલોજી રિપોર્ટના આધારે દર્દીઓમાં સફેદ તથા એક દર્દીમાં વ્હાઈટ ફંગસની પુષ્ટિ કરવામાં આવી છે.
જોકે હજી સુધી આરોગ્ય વિભાગે આ અંગે ઓફિશિયલ જાણકારી આપી નથી, પરંતુ જેવી રીતે તજજ્ઞોએ આ અંગે જાહેરાત કરી છે એનાથી હવે દેશમાં 3 ફંગસનો કહેર વરસી શકે છે.
નાકમાં પોપટી જામવી, કાબૂમાં ન આવે તો ઓપરેશન કરાશે
BRD મેડિકલ કોલેજના વ્હાઇટ એન્ડ બ્લેક ફંગસ વોર્ડના નોડલ ઇન્ચાર્જ ડો.રામકુમાર જયસ્વાલે જણાવ્યું હતું કે આ ત્રણેય દર્દીઓના નાકમાં સફેદ સ્કેબ જામી ગયો છે. જો સમયસર આ નિયંત્રિત ન થાય, તો ઓપરેશન કરવું પડશે. ડો.જયસ્વાલના જણાવ્યા મુજબ, વ્હાઇટ ફંગસનાં લક્ષણોમાં માથામાં દુખાવો, નાક બંધ થવું અથવા પોપડી જામવી, ઊલટીઓ થવી, આંખ લાલ થવી અને સોજો આવવો.
જો તે સાંધાઓ પર હુમલો કરે તો સાંધા પર તીવ્ર પીડા થાય છે. જો તે મગજને અસર કરે છે, તો પછી તે વ્યક્તિની વિચારવાની ક્ષમતાને અસર કરે છે. બોલવામાં પણ તકલીફ થાય છે. આ સિવાય શરીરમાં નાના નાના ફોડકા થાય છે, જે પીડારહિત હોય છે. જો આવાં કોઈ લક્ષણો જોવા મળે છે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
ત્રણ દર્દી કોરોના સંક્રમિત
ડોકટરોના જણાવ્યા અનુસાર, વ્હાઇટ ફંગસથી પીડાતા ત્રણેય દર્દીઓ કોરોના ચેપગ્રસ્ત છે. તેની સારવાર બીઆરડી મેડિકલ કોલેજમાં કરવામાં આવી રહી છે. ત્રણની દવા શરૂ કરવામાં આવી છે. બીજી તરફ ગોરખપુરમાં કોરોના દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રવિવારે 204 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 700 લોકો રિકવર થયા અને 10 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં.
અત્યારસુધીમાં 57,850 લોકો અહીં કોરોના વાયરસના ચેપથી પ્રભાવિત થયા છે. આમાંથી 53 હજાર લોકો સાજા થયા છે, જ્યારે 3,899 દર્દી હજુ સારવાર હેઠળ છે. ચેપથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 619 થઈ ગઈ છે.
UPના માઉના દર્દીની દૃષ્ટિ જતી રહી
UPના માઉ જિલ્લામાં રહેતા 70 વર્ષના દર્દીને 2 દિવસ પહેલાં વ્હાઇટ ફંગસનો ચેપ લાગ્યો હતો, ત્યાર પછી તેમની દૃષ્ટિ જતી રહી હતી. તેઓ પહેલા કોરોના સંક્રમિત થયા હતા, પરંતુ સાજા પણ થઈ ગયા હતા. અત્યારે તેઓ દિલ્હીમાં સારવાર હેઠળ છે.