રાજ્યમાં 1લી જૂનથી પ્રિ-મોનસુન એક્ટિવિટી જોવા મળશે, જૂનમાં મધ્યમ અને જુલાઈમાં ભારે વરસાદ પડશે.
સૂર્ય જયારે મૃગશિર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે દેશમાં વરસાદની શરૂઆત થાય છે પરંતુ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત સૂર્ય જયારે આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે થાય છે. આ વર્ષે સૂર્ય 8મી જૂને મૃગશિર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે ચોમાસાની શરૂઆત થશે અને સૂર્ય 21મી જૂન સુધી મૃગશિર્ષ નક્ષત્રમાં રહેશે. ગ્રહ-નક્ષત્રની સ્થિતિ સૂચવે છે કે આ વર્ષે એકંદરે વરસાદ સારો પડશે. જૂનમાં મધ્યમ અને જુલાઈમાં ભારે વરસાદ પડશે. જ્યોતિષશાસ્ત્ર અને પંચાંગનો અભ્યાસ કરતા શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે આ વર્ષે રોહિણી નક્ષત્ર સમુદ્ર કિનારે હોવાથી દરિયાકાંઠે વરસાદ સારો પડે.
ગ્રહ-નક્ષત્રના ગણિત પ્રમાણે ક્યારે કેટલો વરસાદ પડશે
- 8થી 21 જૂન દરમિયાન સૂર્ય મૃગશિર્ષ નક્ષત્રમાં રહેશે, પવન-બફારો, ક્યાંક વરસાદ
- 22 જૂનથી 5 જુલાઈ સુધી સૂર્ય આદ્રા નક્ષત્રમાં રહેશે, વરસાદ મધ્યમ પડે
- 6થી 19 જુલાઈ સુધી સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં રહેશે, પવન સાથે સારો વરસાદ પડે
- 20 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી સૂર્ય પુષ્યનક્ષત્રમાં રહેશે, છૂટોછવાયો વરસાદ થાય
- 3થી 16 ઓગસ્ટ સુધી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં રહેશે, વરસાદ સારો થાય.
- 17થી 29 ઓગસ્ટ સુધી સૂર્ય મઘા નક્ષત્રમાં રહેશે, તોફાની પવન સાથે ભારે વરસાદ પડે
- 30 ઓગસ્ટથી 12 સપ્ટેમ્બર સુધી સૂર્ય પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં રહેશે, સારો વરસાદ થાય
- 13થી 26 સપ્ટેમ્બર સુધી સૂર્ય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં રહેશે, વરસાદ સારો થાય
- 27 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સૂર્ય હસ્ત નક્ષત્રમાં રહેશે, સામાન્ય વરસાદ થાય
- 23 ઓકટોબર સુધી સૂર્ય ચિત્રા નક્ષત્રમાં રહેશે, ક્યાંક ભારે વરસાદ પડે
- 24 ઓક્ટોબરથી 6 નવેમ્બર સૂર્ય સ્વાતિ નક્ષત્રમાં રહેશે, ક્યાંક છતાં પડે.
સૌરાષ્ટ્રમાં 1લી જૂનથી પ્રિ-મોનસુન એક્ટિવિટી
વાવાઝોડા બાદ સતત વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે કે, તાપમાન આગામી દિવસોમાં 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને રાજ્યમાં 1લી જૂનથી પ્રિ-મોનસુન એક્ટિવિટી પણ જોવા મળશે અને બપોરના સમયે દક્ષિણ-પશ્ચિમી પવન વહેતા અસહ્ય બફારો પણ થશે. રાજ્યમાં 15 થી 20 જૂન વચ્ચે વરસાદ દસ્તક આપશે. જેથી આગામી 15 જૂન સુધીમાં રાજ્યમાં વરસાદ પડશે.