આરોગ્ય

કોરોનાના 90% દર્દીઓ યોગ અને આયુર્વેદથી સાજા થયા

કોરોનાની સારવાર અને વેક્સિન અંગે ખેંચતાણ વચ્ચે આજે દેશના તબીબીજગતમાં સૌથી મોટો વિવાદ યોગગુરુ બાબા રામદેવ અને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઇએમએ) વચ્ચે છેડાયો છે. આઇએમએની રાજદ્રોહનો કેસ કરવાની માગ અને માનહાનિના દાવા વચ્ચે બાબા રામદેવે પહેલીવાર કોઇ અખબાર સાથે વાતચીત કરી.   બાબાએ દાવો કર્યો કે એલોપથીથી માત્ર 10% ગંભીર દર્દીઓની સારવાર થઇ, બાકીના 90% યોગ-આયુર્વેદથી સાજા થયા. કોરોના સામેની તૈયારીઓથી માંડીને કુંભ સહિત ઘણા મુદ્દે તેમણે સ્પષ્ટ જવાબ આપ્યા. વાતચીતના મુખ્ય અંશ-

સવાલ: તમે આખી દુનિયામાં યોગનો પ્રચાર કર્યો, મહામારીના સમયમાં એલોપથી સામે તમારા દ્વારા મોરચાબંધી કેમ?
બાબા રામદેવ: 
આવા સમયે જ લોકોને યોગ-નેચરોપથીની સૌથી વધુ જરૂર છે. આ મોરચાબંધી એલોપથી વિરુદ્ધ નથી. મોરચાબંધી એટલા માટે છે કે બીમારીના કારણનું નિવારણ થાય. બીમારીનું કારણ છે નબળાં ફેફ્સાં, નબળાં લિવર-હાર્ટ, નબળી ઇમ્યુન સિસ્ટમ, નબળી નર્વ્સ સિસ્ટમ, નબળું મનોબળ. કમનસીબે એલોપથી પાસે એનો ઇલાજ નથી. એ માત્ર સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરે છે.

સવાલ: પણ આ ડૉક્ટરોએ જ લાખો લોકોની સારવાર કરી, જીવ બચાવ્યા…
બાબા રામદેવ:
 સારવાર આ ડૉક્ટરોએ જ કરી એ વિશ્વનું સૌથી મોટું જુઠ્ઠાણું છે. બીમારીના મૂળ કારણનો ઇલાજ માત્ર યોગ-નેચરોપથીમાં છે. માત્ર આ ડૉક્ટરોએ ઇલાજ કર્યો તો અમે શું ભંડારો ખાવા આવી ગયા? હું માનું છું કે આ ડૉક્ટરોએ ઘણું કર્યું છે, પણ તેમણે જ ઇલાજ કર્યો છે એમ કહેવું તદન ખોટી અને તથ્યહીન વાત છે. જેમનું ઓક્સિજન લેવલ 70 સુધી પહોંચી ગયું હતું તેઓ પણ યોગ તથા દેશી ઉપાયોથી સાજા થયા. આ ડૉક્ટરોએ ગંભીર દર્દીઓની સારવાર જરૂર કરી. ડૉ. ગુલેરિયા કહે છે કે 90% લોકોને હોસ્પિટલ જવાની જરૂર નથી પડી. હું કહું છું કે 95થી 98% લોકોને હોસ્પિટલ જવાની જરૂર નથી પડી. તેઓ આયુર્વેદ, યોગ અને સ્વસ્થ જીવનશૈલીથી સાજા થયા.

સવાલ: તો પછી કોરોનાની હોમકિટમાં સરકારે કોરોનિલને કેમ સામેલ ન કરી?
બાબા રામદેવ:
 આ અમારો દોષ નથી, સરકારની નીતિઓનો દોષ છે. તેને તમે અમારા પર કેમ થોપો છો? તમે દેશના કોઇપણ શહેરમાં જોઇ લો. કોરોનાના 100માંથી 90 દર્દી યોગ-પ્રાણાયામની આયુર્વેદિક પદ્ધતિઓ અને સ્વસ્થ જીવનશૈલીથી સાજા થયા છે તો એવું કેવી રીતે કહી શકાય કે માત્ર એલોપથીના ડૉક્ટરોએ જ લોકોનો જીવ બચાવ્યો છે? હું માનું છું કે તેમણે પણ લોકોના જીવ બચાવ્યા છે. ઘણા ડૉક્ટરોએ પોતાનો જીવ આપીને દર્દીઓનો જીવ બચાવ્યો છે, જેમના આપણે ઋણી છીએ. આવા સંકટ સમયે તેમણે તો મદદ કરવી જ જોઇએ, નહિતર મેડિકલ સાયન્સનો અર્થ જ શું છે? હું માનું છું કે ગંભીર સ્થિતિમાં હોસ્પિટલાઇઝ થયેલા 10% લોકોનો જીવ આ ડૉક્ટરોએ બચાવ્યો જ્યારે 90% લોકોનો જીવ યોગ-આયુર્વેદ તથા પ્રાકૃતિક પદ્ધતિઓએ બચાવ્યો. તો પછી ડૉક્ટરોને મારી વાત સામે વાંધો કેમ છે? વાંધો છે, કેમ કે તેમનો મોટો બિઝનેસ તેની સાથે સંકળાયેલો છે, પણ તે તાકાતના જોરે સત્ય છુપાવી ના શકે. હું એલોપથીનો વિરોધી નથી. ઈમર્જન્સી ટ્રીટમેન્ટ તરીકે અને ગંભીર શૈલ્ય ચિકિત્સા માટે આધુનિક મેડિકલ સાયન્સ પર ઘણું કામ કર્યું છે, પણ લાઈફસ્ટાઈલ ડિઝીઝનો તેમની પાસે કોઈ ઉપચાર નથી.

સવાલ: તમે કહો છો કે તે તાકાતના જોરે સત્ય છુપાવી ના શકે, વીડિયોમાં તમે કહી રહ્યા છો કે કોણ છે, તે તમારી ધરપકડ કરે…
બાબા રામદેવ:
 મારી તાકાત આર્થિક તાકાત નથી. ફાર્મા ઈન્ડસ્ટ્રી, હોસ્પિટલ ઈન્ડસ્ટ્રી અને ડૉક્ટરોનો બિઝનેસ મિલાવીને દુનિયામાં કમસે કમ 200 લાખ કરોડનો બિઝનેસ છે. તેમની સામે તો બાબા રામદેવ ‘ઊંટ કે મુંહ મેં જીરા’ જેટલા પણ નથી, પણ મારી પાસે જે તાકાત છે એ સત્યનું બળ છે. આ દેશનું જનબળ છે. મારી પહોંચ 125 કરોડ લોકો સુધી છે. મારી પાસે પૂર્વજોનું જ્ઞાન અને લેટેસ્ટ રિસર્ચ બંને છે. મારી પાસે આ જ તાકાત છે. મેં ક્યારેય ભગવાનના વિધાન અને દેશના બંધારણનું અતિક્રમણ નથી કર્યું તો પછી હું કેમ ડરું.

સવાલ: ડૉક્ટરો કહે છે કે તમારા પર દેશદ્રોહનો કેસ ચાલવો જોઈએ?
બાબા રામદેવ: 
જો સ્વામી રામદેવ દેશદ્રોહી છે તો દેશભક્ત કોણ છે? જો દેશની સેવા કરવી દેશદ્રોહ છે તો શું દેશભક્ત એ છે જેમના તાર કન્વર્ઝન સાથે જોડાયેલા છે, જે કહે છે કે કોરોના સારો છે, એનાથી કન્વર્ઝન સારું થશે. અહીં દવાની જરૂર નથી, ધર્મ વિશેષની વિશેષ કૃપા થશે તો ઠીક થઈ જશે. એવું કન્વર્ઝન અને અંધવિશ્વાસમાં વિશ્વાસ ધરાવતા લોકો તો આઈએમએના અધ્યક્ષ બની ગયા છે. કોઈ ઉદાહરણ હોય તો જણાવી દો કે જ્યારે મેં તથ્ય- પુરાવા સાથે વાત ન કરી હોય.

સવાલ: તમે જ કહો છો કે ગંભીર દર્દીઓના જીવ ડૉક્ટરોએ તેમના જીવની બાજી લગાવી બચાવ્યા છે અને તમે જ તેમના મૃત્યુની મજાક ઉડાવો છો…
બાબા રામદેવ:
 મેં ડૉક્ટરોના મૃત્યુની મજાક નથી બનાવી. ડબ્લ્યુએચઓના આંકડા હતા કે આશરે 1.50 કરોડ લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાં ડૉક્ટરો પણ મૃત્યુ પામ્યા છે. તેમણે તો મારી મજાક બનાવી કે સ્વામી રામદેવ પાસે કોઈ કેવી રીતે મરી શકે, હું કોઈ સર્વશક્તિમાન નથી. તે કહે છે કે અમે સર્વશક્તિમાન છીએ, અમને કોઈ ચેલેન્જ ના કરી શકે. મેં તો કહ્યું હતું કે તમારા ડૉક્ટરો મૃત્યુ પામ્યા છે, અમને દુ:ખ છે, પીડા છે, વેદના છે. ડબલ વેક્સિનેશન ડૉઝ પછી હજારો મર્યા છે.

સવાલ: પુરાવા ક્યાં છે કે ડબલ વેક્સિનેશન બાદ હજારો ડૉક્ટરોનાં મોત થયાં?
બાબા રામદેવ: 
અરે ભાઇ, આ વાતના પુરાવા તો તમને મળી જશે. મેં ડબલ વેક્સિનેશનનું બધા સાથે કનેક્શન નથી કર્યું. મેં સમગ્રપણે કહેલું, હજારો ડૉક્ટર મર્યા છે. તમે WHOનો ડેટા કાઢીને જોઇ લો. અંદાજે 1 લાખ ડૉક્ટર્સ અને હેલ્થવર્કર્સનાં મોત થયાં. મેં કોઇ ઇન્ડિયા કે વર્લ્ડના આંકડા તો આપ્યા નથી. માત્ર વેક્સિનેશન નહીં બચાવી શકે. એક તરફ તમે વેક્સિનનો ડબલ ડોઝ લો અને બીજી તરફ યોગ-આયુર્વેદનો ડબલ ડોઝ લો.

સવાલ: કોરોનિલ લૉન્ચ થઇ ત્યારે પણ ઘણો વિવાદ થયો હતો. દાવો હતો કે દવાને WHOએ માન્યતા આપી છે, એ માટે પ્રયાસ કરાયો છે?
બાબા રામદેવ: 
WHOએ કોવેક્સિનને પણ માન્યતા નથી આપી. તેમની પ્રક્રિયા જુદી છે, જુદા પ્રકારનું લૉબિંગ છે, તેમના પોતાના દુરાગ્રહ-હઠ છે. શું તમે જાણો છો કે WHOનું ફન્ડિંગ ક્યાંથી આવે છે? તેની પાછળ ફાર્મા ઇન્ડસ્ટ્રી ઊભી છે, જેથી અમેરિકાની વાતોની પણ એની પર અસર નથી થતી. હું સાચું કહું તો માન્યતા માટે અમે હજુ પ્રયાસ નથી કર્યો. અમે કરેલી ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલ ઇન્ટરનેશનલ જર્નલમાં પ્રકાશિત થઇ. આયુષ મંત્રાલયે કોરોનાની દવા તરીકે માન્યતા આપી.

સવાલ: અમે જોયું કે કઇ રીતે કોરોનાથી લોકોનાં મોત થયાં… નદીઓના કાંઠે મૃતદેહોની કતાર જોઇ…
બાબા રામદેવ: 
મોતના આંકડા અંગે પણ હજુ અનિશ્ચિતતા છે. કેટલા લોકોને કોરોના થયો અને તેમાંથી કેટલા સાજા થયા, તેના આંકડા પણ સત્યની નજીક નથી. છતાં કોઇ ગામમાં બે, કોઇમાં પાંચ તો કોઇમાં 10 લોકોનાં મોત તો થયાં છે. એ નક્કી છે કે લોકોએ પોતાની તાકાતથી કોરોનાને હરાવ્યો.

સવાલ: અમેરિકા જેવા દેશોએ ત્રીજી-ચોથી લહેરનું સચોટ અનુમાન લગાવ્યું, તૈયારી કરી. આપણા દેશમાં પણ એના માટે ઉચ્ચ સ્તરની પેનલ અને સંપૂર્ણ સિસ્ટમ બનેલી છે…તમને શું લાગે છે કે કોરોનાનો સામનો કરવામાં ભારતે વ્યૂહાત્મક સ્તરે કોઈ ચૂક થઈ છે?
બાબા રામદેવ:
 હું રાજકીય પક્ષ-વિપક્ષમાં નહીં પડું. હવે તેને રાજકારણ કહો કે જે પેનલ બની છે તેના સ્તર પર કહો.. કોરોનાની બીજી લહેરનું પૂર્વાનુમાન ભલે વિજ્ઞાનીને હોય કે કાર્યપાલિકા, ધારાસભા કે ખબરપાલિકા, કોઈ લગાવી શક્યું નથી. પૂર્વાનુમાન જ નહોતું એટલા માટે અપેક્ષિત તૈયારીઓ ન થઇ શકી.

સવાલ: તમારા હિસાબે 5 રાજ્યમાં ચૂંટણી કે કુંભ ટાળવાની જરૂર હતી?
બાબા રામદેવ: 
હું હરિદ્વારમાં રહું છું. તમે હર કી પૈડીના દૃશ્ય બતાવી કહો છો કે કુંભ સુપર સ્પ્રેડર બની ગયો તો આ મહાજૂઠ છે. તેમાં હિન્દુવિરોધી, ભારતવિરોધી લૉબી અને સોશિયલ મીડિયાની એક જમાત સામેલ છે, જેમને ઈન્ટરનેશનલ ફન્ડિંગ મળે છે. કુંભમાં 99% તંબુ ખાલી હતા. દરેક અખાડામાં માંડ 500-1000 સાધુ હતા, તેમાંથી 2-3 મૃત્યુ પામ્યા. એ ગમે ત્યાં થઈ શકે છે. દેશમાં 5થી 7 લાખ સાધુ છે, જેમાંથી 5નાં મોત કોરોનાથી થયાં તો લોકોએ ફેલાવી દીધું કે કુંભમાં કોરોના ફેલાયો.

સવાલ: વેક્સિનેશન સાથે યોગ-આયુર્વેદ પર સરકારને કોઈ રણનીતિ સૂચવી છે?
બાબા રામદેવ:
 મેં કેન્દ્રને સૂચન કર્યું છે કે તેના પર એક પીઆઈએલ પર દાખલ કરવાના છે. અમે ઈચ્છીએ છીએ કે કોઈપણ ક્ષેત્રના ડૉક્ટર હોય, જે રિસર્ચ આધારિત દવાઓ, ટ્રીટમેન્ટ કે થેરપી છે તે દરેક ડૉક્ટર પ્રિસ્ક્રાઈબ કરી શકે. એલોપથીના 90% ડૉક્ટરો પણ સંમત છે. આઈએમએના નેતાગીરી કરનારા ડૉક્ટરો પણ ઘરે બેસી કપાલભાતિ કરે છે.

સવાલ: આ વિવાદને કેવી રીતે સમજાવશો?
બાબા રામદેવ:
 નક્કી કરવું પડશે કે કેટલી ભૂમિકા આધુનિક મેડિકલ વિજ્ઞાનની છે અને કેટલી યોગ-આયુર્વેદની.

સવાલ: ડૉક્ટરો તો તમારી જાહેર માફી…, રાજદ્રોહના કેસ પર અડગ છે…
બાબા રામદેવ:
 મેં રાજદ્રોહ નથી કર્યો… જે નિવેદનની વાત કરી રહ્યા છે એ મારું નિવેદન હતું જ નહીં. મેં એક સોશિયલ મીડિયા મેસેજ વાંચ્યો હતો, જેને પાછો ખેંચી લીધો. વાત ખતમ થઈ. હવે શું ઈચ્છે છે, શું મને ફાંસી પર લટકાવશે.

સવાલ: પણ પત્ર લખી આઈએમએને સવાલ પૂછ્યા. તમારો નવો વીડિયો સામે આવ્યો, નવેસરથી વિવાદ શરૂ થયો…
બાબા રામદેવ: 
સવાલ પૂછવો ગુનો છે? પ્રગતિશીલ સમાજ એ જ છે જેમાં સવાલ પૂછવાની આઝાદી હોય. મેં તો ફક્ત સવાલ કર્યો કે તમારી પાસે આ 25 બીમારીની સારવાર છે…આયુર્વેદમાં છે.

સવાલ: તમારા પેટ્રોલ-ડીઝલના ભાવ અને કાળાં નાણાં સંબંધિત નિવેદન લોકો યાદ અપાવે છે. આ મુદ્દા આજે પણ પ્રાસંગિક છે કે નહીં?
બાબા રામદેવ:
 હું કહું છું કે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ હટાવી દો, કિંમત ઘટી જશે. સરકાર કહે છે કે દેશ ચલાવવા ટેક્સ જરૂરી છે. કાળાં નાણાંનો મુદ્દો મોદીજી પર છોડી દીધો છે. કાળા મન ઠીક કરવાનું બીડું અમે ઉપાડ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x