હવે ટોલનાકા પર 10 સેકંડથી વધારે સમય લાગશે તો વાહનચાલકોએ નહીં ચૂકવવો પડે ટોલ ટેક્ષ
નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા (NHAI) વાહનચાલકોના હિત અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લઇ રહ્યું છે. ટોલનાકા (Toll Plaza) પર લગતી વાહનોની લાંબી લાઈન ફાસ્ટટેગ આવવાને કારણે ઓછી થઇ ગઈ છે. આ ફાસ્ટટેગ દ્વારા ટોલનાકા પર વાહનચાલકોનો સમય પણ ઓછો બગડે છે અને ટોલની ચુકવણી પણ ઓનલાઈન થઇ જાય છે. ટોલનાકા પર ટોલ ચુકવણી પ્રક્રિયા ઝડપી બનાવવા નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે.
10 સેકંડ પછી નહીં ચૂકવવો પડે Toll Tax
ટોલનાકા (Toll Plaza) પર વાહનોની લાંબી લાઈનના નિવારણ માટે સરકારે આ નવો નિયમ બનાવ્યો છે. આ નિયમ મુજબ જો કોઈ પણ ટોલનાકા પર 100 મીટરથી વધુ જામ થશે તો વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં આવશે નહીં. આ સિવાય જો વાહનચાલકોને ટોલ ટેક્સ ભરવા માટે 10 સેકંડથી વધુ રાહ જોવી પડશે તો આ કિસ્સામાં પણ ટોલ ટેક્સ ચૂકવવાનો રહેશે નહી. ટોલનાકા પર ટ્રાફિક જામ ન થાય અને વાહનની અવરજવર સામાન્ય ગતિએ ચાલુ રહે તે માટે આ કામગીરી કરવામાં આવી રહી છે.
આવી રીતે થશે નવા નિયમનો અમલ
નવા નિયમનો અમલ કરવા માટે ટોલનાકા (Toll Plaza) પર 100 મીટરના અંતર સુધીમાં પીળી લાઇનો દોરવામાં આવશે, જો ટ્રાફિક પીળી લાઇનથી આગળ વધે તો ટોલ કોન્ટ્રાક્ટરને ડ્રાઇવરો માટે ટોલ ટેક્સ (Toll Tax) માફ કરવાની સૂચના આપવામાં આવશે.
નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા (NHAI) નું કહેવું છે કે ફાસ્ટટેગ (FASTag) ફરજિયાત થયા પછી મોટાભાગના ટોલનાકા પર વાહનચાલકોએ રાહ જોવી પડતી નથી જેના કારણે 100 મીટર લાંબી લાઇન થતી નથી.
96 ટકા ટોલની ફાસ્ટટેગ દ્વારા ચુકવણી
NHAI ના ડેટા અનુસાર ટોલનાકા (Toll Plaza) પર આવતા વાહનોમાંથી 96 ટકા વાહનો પાસેથી ટોલટેક્સ (Toll Tax) ની ચુકવણી ફાસ્ટટેગ (FASTag) દ્વારા લેવામાં આવી રહી છે. કેટલાક ટોલબૂથ પર આ સંખ્યા 99 ટકા જેટલી નોંધાઇ છે. ટોલનાકા પર ટ્રાફિક જામના નિવારણ માટે તેમજ અને વાહનોની અવરજવર ઝડપી બનાવવા માટે NHAI એ ફેબ્રુઆરી 2021 થી ટોલ કલેક્શન માટે ફાસ્ટટેગ ફરજિયાત કર્યુ છે.