વૈશ્વિક સ્તરે ફોરેકસ રિઝર્વની દ્રષ્ટિએ ભારત પાંચમા સ્થાને રહ્યુ
મુંબઈ :
દેશનું ફોરેકસ રિઝર્વ ૬૦૦ અબજ ડોલરની સપાટીની આગળ વધી રહ્યાનું રિઝર્વ બેન્કના છેલ્લામાં છેલ્લા આંકડા જણાવી રહ્યા છે. વૈશ્વિક સ્તરે ફોરેકસ રિઝર્વની દ્રષ્ટિએ ભારતનું સ્થાનમાં પાંચમું રહ્યું છે. ૨૧મી મેના અંતે સમાપ્ત થયેલા સપ્તાહમાં ફોરેકસ રિઝર્વ ૨.૮૬ અબજ ડોલર વધી ૫૯૨.૮૯ અબજ ડોલરની નવી ઊંચી સપાટીએ પહોંચ્યું છે. આ અગાઉ વર્તમાન નાણાં વર્ષના ૨૯ જાન્યુઆરીએ ૫૯૦.૧૮ અબજ ડોલર સાથે ફોરેકસ રિઝર્વ ઓલ ટાઈમ હાઈ સપાટીએ રહ્યું હતું. છેલ્લામાં છેલ્લા આંકડા પ્રમાણે ફોરેકસ રિઝર્વની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ભારતનું સ્થાન પાંચમું રહ્યું છે. ૩૩૩૦.૪૦ અબજ ડોલર સાથે ચીન પ્રથમ ક્રમે છે જ્યારે ૧૩૭૦ અબજ ડોલર સાથે જાપાન બીજા ક્રમે છે.
૧૦૫૨.૦૧ અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે સ્વિત્ઝરલેન્ડ રહ્યું છે જ્યારે ૬૦૦.૯૦ અબજ ડોલર સાથે રશિયા ચોથા ક્રમે છે. ૨૧મી મેના સપ્તાહમાં ભારતનું ગોલ્ડ રિઝર્વ વધી ૩૬.૮૪ અબજ ડોલર રહ્યું હોવાનું રિઝર્વ બેન્કના આંકડા જણાવે છે.