સોના-ચાંદીમાં તેજીનો ચમકારો, વિશ્વબજારમાં સોનાએ ૧૯૦૦ ડોલરની સપાટી કુદાવી
અમદાવાદ :
મુંબઈ ઝવેરીબજારમાં શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વબજારના સમાચાર સપ્તાહના અંતે કિંમતી ધાતુઓમાં નવેસરથી તેજી બતાવનારા મળ્યા હતા અને તેની પોઝીટીવ અસર દેશના ઝવેરીબજારમાં દેખાઈ હતી.
અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦ વધી ૯૯.૫૦ના ભાવ રૂ.૫૦૩૦૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૫૦૫૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ રૂ.૧૦૦૦ ઉછળી રૂ.૭૨૦૦૦ બોલાયા હતા.
મુંબઈ બજારમાં જીએસટી વગર આજે બંધ બજારે સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૪૮૬૫૦ તથા ૯૯.૯૦ના રૂ.૪૮૮૫૦ બોલાઈ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૭૧૨૦૦ રહ્યા હતા.
સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ડોલરનો ઈન્ડેક્સ નીચો ઉતરતાં મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૭૨.૪૩થી ૭૨.૪૩ વાળા આજે ઘટી રૂ.૭૨.૩૦થી ૭૨.૩૫ આસપાસ બોલાઈ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૧૮૯૩થી ૧૮૯૪ ડોલરવાળા ફરી ઉછળી નવેસરથી ૧૯૦૦ ડોલરની સપાટી કુદાવી સપ્તાહના અંતે ભાવ ૧૯૦૩થી ૧૯૦૪ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા.
સોના પાછળ ચાંદીના વૈશ્વિક ભાવ પણ ઔંશના ૨૭.૫૩થી ૨૭.૫૪ ડોલરવાળા ઉછળી છેલ્લે ૨૭.૯૩થી ૨૭.૯૪ ડોલર બોલાઈ રહ્યા હતા. વિશ્વબજાર ઉંચકાતા ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી જતાં ઝવેરીબજારોમાં નવેસરથી તેજીનો ચમકારો જોવા મળ્યો હતો.
વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૧૭૭તી ૧૧૭૮ ડોલરવાળા ઉંચકાઈ સપ્તાહના અંતે ૧૧૮૪થી ૧૧૮૫ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના ૨૮૨૦થી ૨૮૨૧ ડોલરવાળા એક તબક્કે નીચામાં ૨૮૧૫થી ૨૮૧૬ ડોલર થયા પછી ભાવ ફરી ઉછળી છેલ્લે ૨૮૨૫થી ૨૮૨૬ ડોલર રહ્યાના નિર્દેશો દરીયાપાર મળ્યા હતા.