કોરોનાથી સાજા થયેલા બાળકોમાં નવી બીમારી જોવા મળી : દિલ્હીમાં 177 કેસ નોંધાયા
નવી દિલ્હી :
કોરોનામાંથી રિકવર થઇને ફરી દોડતા થયેલા બાળકોમાં હવે મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેટરી સિન્ડ્રોમ (એમએસઆઇ-સી) એક નવો પડકાર બનીને સામે આવી રહ્યો છે. દિલ્હી – નેશનલ કેપિટલ રીજનમાં જ એમએસઆઇ-સીના 177 કેસ નોંધાયા છે. આ પૈકી 109 કેસ ફક્ત દિલ્હીમાં જ છે. તદુપરાંત, ગુડગાંવ અને ફરીદાબાદમાં 68 કેસ નોંધાયા છે. આ માંદગીની અસર છ માસના બાળકોથી માંડી 15 વર્ષના કિશોરને થઇ રહી છે. જોકે 5થી15 વર્ષના વય-જૂથમાં એના વધારે કેસ જણાયા છે. ગંગારામ હોસ્પિટલના બાળરોગ વિશેષજ્ઞા ડો. ધીરેન ગુપ્તાએ જણાવ્યું કે કોરોના ચેપથી જેને વધુ અસર થઇ છે એવા બાળકોમાં બે પ્રકારના પરિવર્તન જોવા મળી રહ્યા છે. એમને ન્યુમોનિયા થાય છે અથવા તો એન્ટિ-બોડી સાથે સંબંધિત ઇન્ફલેમેશન (એમએસઆઇ-સી) જણાઇ રહ્યું છે. આ ઇન્ફલેમેશનરૂપે બાળકોને તાવ આવે છે અને હૃદય, ફેફસાં અને મગજ જેવા મહત્ત્વપૂર્ણ અંગોને વિપરિત અસર પહોંચે છે, એમ ડોક્ટરો કહે છે. તદુપરાંત, ત્રણ થી પાંચ દિવસો સુધી પેટમાં ભારે દર્દ અને ઘટી જતું બ્લડપ્રેશર જેવી પીડા થાય છે. ડોક્ટરો કહે છે કે કોરોનામાંથી રિક્વર થયેલા બાળકોના માતા-પિતાએ વધુ સજાગ રહેવાની જરૂર છે. જો નવી બીમારીનો સમયસર ખ્યાલ આવી જાય તો એનો ઇલાજ સંભવ છે. ઇન્ડિયન એકેડમી ઓફ પિડિયાટ્રિક્સ ઇન્ટેન્સિવ કેર ચેપ્ટરે પ્રસિધ્ધ કરેલી માહિતી અનુસાર કોરોનાના પ્રથમ મોજા દરમિયાન દેશભરમાં એમએસઆઇ-સીના 2000 કેસ નોંધાયા હતા.
દરમિયાન, દેશમાં બાળકોને કોરોના વેક્સિનની ટ્રાયલનો પ્રારંભ થઇ ચૂક્યો છે. પટણા એમ્સમાં 2થી 18 વર્ષના બાળકો પર કોવેક્સિનની ટ્રાયલ કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં 50 બાળકો પર આ ટ્રાયલ થશે, જ્યારે ત્રીજા તબક્કામાં 550 બાળકોનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. ટ્રાયલમાં આવનારા બધા બાળકોની આરટીપીસીઆર અને એન્ટિબોડી તપાસ કરવામાં આવશે.