હેર સલુન ચલાવતાં યુવાને વ્યાજે લીધેલા ર૦ હજારની જગ્યાએ વ્યાજખોરોએ પ૦ હજારની માંગણી કરી આપી ધમકી
ગાંધીનગર :
ગાંધીનગર જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહયો છે ત્યારે શહેર નજીક આવેલા ઉવારસદમાં હેર સલુન ચલાવતાં યુવાને ઉછીના લીધેલા ર૦ હજાર રૂપિયાનું ત્રીસ ટકા વ્યાજ ગણી પ૦ હજારની માંગણી કરી ધાકધમકી આપનાર ઉવારસદના જ બે વ્યાજખોરો સામે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હાલમાં કોરોનાના સંકટના કારણે લોકોની આર્થિક સ્થિતી નબળી પડી છે ત્યારે આ પરિસ્થિતિમાં પણ ઉંચુ વ્યાજ વસુલી માનસિક ત્રાસ આપતા વ્યાજખોરોનો ત્રાસ પણ વધી ગયો છે. ત્યારે ઉવારસદ ગામના સલુન ચલાવતો યુવાન પણ ગામના જ બે વ્યાજખોરોના ત્રાસથી તોબા પોકારી ઉઠયો છે. ઉવારસદ ગામમાં રહેતા યુવાન વિજય કાંતિભાઈ પારેખે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.ર૮ માર્ચે તેને સલુનનું ભાડુ ચુકવવાનું હોવાથી તેના પરિચીત ઉવારસદ ગામના ૧૩૯ દેવભુમિ ટેનામેન્ટ ખાતે રહેતા દર્શનસિંહ ઉર્ફે ગોપી ગીરીશકુમાર ચાવડાને ફોન કર્યો હતો. જેના પગલે તેણે ઓફીસે આવીને ર૦ હજાર રૂપિયા લઈ જવા કહયું હતું. જે ર૦ હજાર રૂપિયા પૈકી ૧૪ હજારનું ભાડુ ભર્યું હતું જયારે તા.૭ એપ્રિલે પાંચ હજાર રૂપિયા ગોપીને પરત કર્યા હતા. આ રૂપિયાની સિકયોરીટી પેટે ગોપીએ સેન્ટ્રલ બેન્કના ચેક બળજબરીથી કઢાવી લીધા હતા. ત્યારબાદ રૂપિયા ઓફીસે આપવા જતાં ઓફીસ બંધ હતી અને ફોન ઉપાડયો નહોતો. ત્યારબાદ આ ગોપીએ ફોન કરીને ગાળો બોલી ર૦ હજાર રૂપિયાનું ત્રીસ ટકા વ્યાજ સહિત પ૦ હજારની માંગણી કરી હતી અને રૂપિયા નહીં આપે તો મારી રીતે કઢાવી લઈશ તેવી ધમકી પણ આપી હતી. ત્યારબાદ આ ગોપીના પાર્ટનર દેવભુમિ ટેનામેન્ટમાં રહેતા સિધ્ધાર્થ રબારીએ પણ ફોન કરીને ધમકી આપી હતી અને ગઈકાલે બપોરે વિજયના ઘરે જઈ પ૦ હજારની માંગણી કરી હતી. જો તે નહીં આપે તો ગાડી લઈ જઈશું અને હાથપગ તોડી અપંગ બનાવી દેશે તેવી ધમકી આપી હતી. હાલ તો અડાલજ પોલીસે આ બન્ને વ્યાજખોરો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.