મહારાષ્ટ્રમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાશે, મુંબઇમાં રીમઝીમ વર્ષા
મુંબઈ :
હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે આજે મુંબઇના પૂર્વના અને પશ્ચિમના પરાંમાં હળવાં વરસાદી ઝાપટાં પડયાં હતા. સાથોસાથ મહારાષ્ટ્રના ધૂળે જિલ્લાના શિરપુર તાલુકાના પળાશનેરગામ અને નજીકના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાયો હતો.
હવામાન ખાતાનાં સિનિયર વિજ્ઞાની શુભાંગી ભુતેએ જણાવ્યું હતું કે હાલ મધ્યપ્રદેશ અને વિદર્ભ થઇને તામિલનાડુ સુધીના આકાશમાં હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે. ઉપરાંત મહારાષ્ટ્રના આકાશમાં હજી ‘યાસ’ સાયક્લોન સાથે સર્જાયેલો ભેજનો વિપુલ જથ્થો ઘુમરાઇ રહ્યો છે આવા કુદરતી પરિબળોની અસરથી મુંબઇ સહિત મહારાષ્ટ્રના જુદા જુદા વિભાગોમાં ગાજવીજ સહિત વર્ષા થઇ રહી છે. આજે રાતે લગભગ ૮ વાગે મુંબઇનાં પૂર્વના પરાં પવઇ, મુલુંડમાં અને પશ્ચિમના પરાં કાંદિવલી, બોરીવલી, દહીંસરથી હળવાં વરસાદી ઝાપટાં પડયા હતા. આકાશમાં કાળાં ડિબાંગ વાદળોનો વિશાળ જમદાટ જામ્યો છે. સાથોસાથ વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધ્યું હોવાથી મુંબઇગરાં બફારો અને અકળામણનો અનુભવ થઇ રહ્યો છે.
હવામાન ખાતાનાં પુણે કેન્દ્રના સૂત્રોએ જણાવ્યું હતું કે આજે પુણે, ધામોરી અને વિશ્રાંતવાડીમાં અને લાંજા તાલુકાની વાકેડ ગામમાં પણ ગાજવીજ સાથે વર્ષા થઇ હતી. હવામાન ખાતાનાં સૂત્રોએ એવી આગાહી કરી હતી કે આવતા ચાર દિવસ (૩૦, ૩૧-મે- ૧,૨ જૂન) દરમિયાન દક્ષિણ કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડાનાં અમુક સ્થળોએ ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદી માહોલ સર્જાય એવી શક્યતા છે.