ટેટ પાસ ઉમેદવારોએ વિદ્યાસહાયકની ભરતીની માંગ સાથે સોશિયલ મિડિયામાં લડત ચાલુ કરી
ત્રણ પહેલાં રાજ્યના શિક્ષણમંત્રીએ વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કર્યા બાદ હજુ ભરતી ન થતા ટેટ પાસ ઉમેદવારો માટે નોકરી મુશ્કેલ બની રહી છે. આથી ટેટ પાસ ઉમેદવારોએ વિદ્યાસહાયકની ભરતીની માંગ સાથે સોશિયલ મિડિયા ઉપર અભિયાન શરૂ કર્યું છે.
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વર્ષ-2010 પછી ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકોએ ઉચ્ચત્તર પગાર ગ્રેડની વિસંગતતાને દુર કરવા સોશિયલ મિડિયામાં લડત ચલાવી હતી. જેને પગલે રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષકોની માંગણી સ્વિકારી હતી. જોકે સામાન્ય રીતે સોશિયલ મિડિયા લોકોના પ્રશ્નોને વાચા આપવાનું સરળ અને હાથવગું પ્લેટફોર્મ બની રહ્યું છે. આથી હાલના સમયમાં સોશિયલ મિડિયા ઉપર અનેક બાબતોને લોકો શેર કરી રહ્યા છે.
ત્યારે સોશિયલ મિડિયાનો ઉપયોગ ટેટ પાસ ઉમેદવારો વિદ્યાસહાયકની ભરતીની માંગણી માટે કરશે. ટેટ પાસ ઉમેદવારોના જણાવ્યા મુજબ રાજ્યના શિક્ષણમંત્રીએ ગત વર્ષ-2019માં વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરી હતી. ત્યારબાદ છેલ્લા ત્રણ વર્ષ સુધી વિદ્યાસહાયકની ભરતીની કોઇ જ કામગીરી કરવામાં આવી નથી.
આથી ટેટ પાસ ઉમેદવારોને પ્રાથમિક શાળામાં શિક્ષક બનવાનું સ્વપ્ન ખરા અર્થમાં સપનું બની રહ્યું છે. આથી પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકો માટે વિદ્યાસહાયકની ભરતી શરૂ કરીને ટેટ પાસ શિક્ષિત બેરોજગારોને નોકરી આપવાની માંગણી સાથે ટ્વીટર સહિતના સોશિયલ મિડિયામાં લડત શરૂ કરી છે.