ગુજરાત

144મી રથયાત્રા આ વર્ષે કોરોનાની મહામારીને લઈ નીકળશે કે કેમ

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા આ વર્ષે કોરોનાની મહામારીને લઈ નીકળશે કે કેમ એ અંગે હજી સુધી નિર્ણય લેવાયો નથી, પરંતુ ભગવાનના મોસાળ સરસપુર રણછોડરાય મંદિરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભગવાન નગરચર્યાએ નીકળી મોસાળમાં આવે છે ત્યારે મામા તરફથી ભાણિયાઓને મોસાળું કરવામાં આવે છે, જેમાં ભગવાનને કપડાં, અલંકાર સહિતની વસ્તુઓ ભેટમાં આપવામાં આવે છે. સરસપુર રણછોડરાય મંદિરના ટ્રસ્ટી ઉંમગ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વર્ષે ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાને મહારાષ્ટ્રિયન રજવાડીસ્ટાઇલના વાઘા અર્પણ કરવામાં આવશે. મહારાષ્ટ્ર લીલી પાઘડી, જેમાં સ્ટોનવર્ક જરદોશીવર્ક મોતીવર્ક અને મિરરવર્ક કરવામાં આવ્યું છે અને ભગવાનને અલંકાર પણ રજવાડીસ્ટાઇલના અર્પણ કરવામાં આવશે.

આ વર્ષે રથયાત્રા નીકળશે કે કેમ? એ વિશે હજી કોઈ ચર્ચા નથી
ભગવાનના વાઘા માટે સફેદ અને વાદળી કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભગવાનના કલાત્મક વાઘા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. રથયાત્રા નીકળશે કે કેમ એની હજી કોઈ ચર્ચા કે જાણકારી નથી, પરંતુ ભગવાનનું મામેરું ધામધૂમથી કરવામાં આવશે. દર વર્ષે જ્યારે ભાણેજ મોસાળમાં પધારે છે ત્યારે તેઓ ખાલી હાથ પાછા ન જાય એની ખાસ તકેદારી મોસાળ પક્ષના લોકો રાખે છે. સરસપુરવાસીઓ ભગવાનનું ધામધૂમપૂર્વક મામેરું કરતા હોય છે અને આ વર્ષે પણ 144મી રથયાત્રા માટે મોસાળ પક્ષમાં ભગવાન જગન્નાથજીને આવકારવા માટે ઉત્સુક બન્યા છે.

ભક્તો વગર જ ભગવાનની પૂજાવિધિ સંપન્ન કરાઈ હતી
144મી રથયાત્રા પહેલાં જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રથનું પૂજન કર્યું હતું. ભક્તો વગર જ માત્ર ગણતરીની સંખ્યામાં લોકોની હાજરીમાં પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી હતી. ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે ઐતિહાસિક એવી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પહેલીવાર મંદિરની બહારની જગ્યાએ મંદિર પરિસરમાં જ ફરી હતી.

ગત વર્ષે જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકળી હતી
કોરોનાને કારણે રથયાત્રા છેલ્લે સુધી કાઢવા મામલે સરકાર અને મંદિર વચ્ચે વાતચીત થઈ હતી. હાઇકોર્ટમાં પણ આ મામલે સુનાવણી યોજાઈ હતી. બાદમાં છેવટે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવાનો નિર્ણય લેવાયો હતો. ભગવાન જગન્નાથજીના રથને પહિંદવિધિ કરીને મંદિરના ગેટ સુધી જ લઈ જવાયો હતો. ત્યાર બાદ ત્રણેય રથને મંદિરમાં જ ફેરવવામાં આવ્યા હતા અને ભક્તોનાં દર્શન માટે મૂકવામાં આવ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x