વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત લેવા માટે સી.આર.પાટીલે એક ખાનગી કંપનીનું ચાર સિટર પ્લેન ભાડે લીધું
વિધાનસભાની પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પોતાના જોરે જીતી હોય તેવું પ્રસ્થાપિત કરી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સરકાર અને સંગઠન પર રાજકીય પ્રભુત્વ જમાવવા માંગે છે. આજ કારણોસર ભાજપ પ્રદેશ પ્રમુખપદ મેળવ્યા બાદ સી.આર.પાટીલને જાણે સુપર સીએમ બનાવવાનો અભરખો જાગ્યો છે. ટૌટે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત લેવા માટે સી.આર.પાટીલે એક ખાનગી કંપનીનું ચાર સિટર પ્લેન ભાડે લીધું હતુ તેવી રાજકીય ચર્ચાએ વેગ પકડયુ છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે રાજ્ય આરોગ્ય વિભાગની પોલ ઉઘાડી પાડી દીધી હતી. આરોગ્ય સેવાઓ એટલી હદે ખોરવાઇ ગઇ હતીકે, કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં પથારી જ નહીં, રેમડેસિવીર ઇન્જેકશન, ઓક્સિજન સિલિન્ડર મેળવવાના ય ફાંફા થઇ ગયા હતાં. આવી ગંભીર પરિસિૃથતીને પગલે ખુદ ભાજપના ધારાસભ્યો, સાંસદો, નેતાઓ ય ભૂગર્ભમાં ઉતરી પડયા હતાં. હવે જયારે કોરોનાના કેસો ઘટયાં છે ત્યારે ભાજપના નેતાઓ હવે રાજકીય દરમાં બહાર આવ્યાં છે અને ઉકાળા,રેશનકીટ વહેંચીને ભાજપ સરકારથી રોષે ભરાયેલી જનતાના વાંસે હાથ ફેરવી રહ્યાં છે. સી.આર.પાટીલે પણ અમદાવાદની એક ખાનગી કંપનીનું સેસના-260 ચાર્ટર પ્લેનમાં ભાડે રાખ્યુ હતું. અમદાવાદથી ચાર્ટર પ્લેનમાં જામનગર-ભાવનગર જઇ પાટીલે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો સાથે મુલાકાત કરી મુખ્યમંત્રી-સબંધિત મંત્રીને વધુ મદદ કરે તેવી ખાતરી આપી હતી પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાતોરાત રૂા.500 કરોડનુ રાહત પેકેજ જાહેર કરી માસ્ટર સ્ટ્રોક માર્યો હતો. સંગઠન સરકાર પર દબાણ કરીને લોકોને વધુ મદદ કરશે તેવો રાજકીય દેખાડો કરવાની પાટીલની ઇચ્છા મનની મનમાં રહી ગઇ હતી. કોરોનાથી માંડ રાહત મળી છે ત્યાં ફરી એકવાર પાટીલે કમલમમાંથી સમાંતર સરકાર ચલાવવા ધમપછાડાં શરૂ કર્યાં છે.