વેક્સિનેશન મુદ્દે સુનાવણીમાં કેન્દ્રએ કહ્યું કે કોર્ટ સરકારી નીતિઓમાં દખલ કરી શકે નહીં.
કોરોના મહામારીના સમયમાં દવા, સારવાર, ઓક્સિજન અને વેક્સિનેશન જેવા મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારને કેટલાક મહત્વના પ્રશ્નો પૂછ્યાં છે. જોકે સરકારે પણ કોર્ટના અધિકારો સામે પ્રશ્ન ઉઠાવ્યો તો કોર્ટે બંધારણને ટાંકી કહ્યું કે જ્યારે લોકોના અધિકારો પર હુમલા થઈ રહ્યા હોય તો તે મૌન રહી શકે નહીં.
વેક્સિનેશન મુદ્દે બુધવારે થયેલી સુનાવણીમાં કેન્દ્રએ કહ્યું કે કોર્ટ સરકારી નીતિઓમાં દરમિયાનગીરી કરી શકે નહીં. આ મુદ્દે કોર્ટે કહ્યું કે બંધારણે અમને જે જવાબદારી આપી છે તેનું અમે પાલન કરી રહ્યા છીએ. બંધારણ મુજબ જ્યારે કાર્યપાલિકા લોકોના અધિકારોનું ઉલ્લંઘન કરે છે ત્યારે ન્યાયપાલિકા ચૂપચાપ બધુ જોઈ શકે નહીં.
ચુકાદાની ન્યાયિક સમીક્ષાની વાત કરતા કોર્ટે ગુજરાત મજદૂર સભા વિરુદ્ધ ગુજરાત રાજ્યનું ઉદાહરણ પણ આપ્યું. કોર્ટે કહ્યું કે સમયાંતરે લોકોના અધિકારોનું ઉલ્લંઘન કરવા સંબંધિત નિર્ણય અંગે ન્યાયપાલિકા દરમિયાનગીરી કરે છે. ત્યારબાદ કોર્ટે કહ્યું કે વિશ્વભરમાં કોર્ટે મહામારીની આડમાં મનમાની અને તર્કહિન નીતિઓ સામે પગલાં લીધા છે.
નેત્રહીન લોકો કોવિન એપ કેવી રીતે ઉપયોગ કરશે?
દેશમાં 18થી 44 વર્ષના વયજૂથના લોકોના વેક્સિનેશનના ચુકાદાને સુપ્રીમ કોર્ટે મનમાની અને તર્કહીન ગણાવ્યો. કોર્ટે એમ પણ પૂછ્યું કે જે કોવિન એપ પર રજિસ્ટ્રેશનની જરૂરી ગણાવ્યા છે, તેને નેત્રહીન કેવી રીતે ઉપયોગ કરશે. દેશની અડધી વસ્તી પાસે મોબાઈલ ફોન નથી. તેઓ કેવી રીતે વેક્સિનેશન કરાવશો.
ન્યાયમૂર્તિ ડીવાઈ ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ એલએન રાવ અને ન્યાયમૂર્તિ એસઆર ભટ્ટની ખંડપીઠે પૂછ્યું કે વેક્સિનેશન માટે તમે રૂપિયા 35 હજાર કરોડનું બજેટ રાખ્યું છે, અત્યાર સુધી તે ક્યાં ખર્ચ કરવામાં આવ્યું. કોર્ટે કેન્દ્ર પાસે વેક્સિન અંગે પણ હિસાબ માગ્યો અને પૂછ્યું કે બ્લેક ફંગસ ઈન્ફેક્શનની દવા માટે શું પગલાં ભર્યા છે.