ગુજરાતની તમામ સ્કૂલોને ધોરણ 10ના માર્ક્સ ઓનલાઇન અપલોડ કરવા સૂચના
કોરોના મહામારીને પગલે રાજ્યમાં ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને બે ભાગમાં માર્ક્સ આપવામાં આવશે, જેમાં પહેલા 20 માર્ક્સ શાળાકીય મૂલ્યાંકનના આધારે, જ્યારે બાકીના 80 માર્ક્સ ઓનલાઈન વેબસાઈટ પર મૂકવા માટે શિક્ષણ વિભાગે તમામ સ્કૂલોને આદેશ કર્યા છે, જેના ભાગરૂપે રાજ્યની તમામ સ્કૂલના આચાર્યને ધોરણ 10ના માર્ક્સ મૂકવા માટે સૂચના અપાઈ ગઈ છે. સવારે 11 વાગ્યાથી માર્ક્સ અપલોડ કરવામાં આવશે અને આગામી 17 જૂને સાંજે 5 વાગ્યા સુધીમાં માર્ક્સ અપલોડ કરવાના રહેશે. માર્ક્સ વિદ્યાર્થીઓનાં નામ અને એપ્લિકેશન નંબરના આધારે ભરવાના રહેશે.
માર્ક્સ અપલોડ કરવાની અંતિમ તારીખ 17 જૂન અપાઈ
શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-10ના વિદ્યાર્થીને માર્ક્સ આપવાની પદ્ધતિ જાહેર કરી દેવામાં આવી છે, જેના આધારે વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ક્સ અપલોડ કરવાની અંતિમ તારીખ 17 જૂન અપાઈ છે. પરીક્ષા સચિવે જણાવ્યું હતું કે ધોરણ 10ના પરીક્ષાર્થીઓના આંતરિક મૂલ્યાંકન માર્ક્સ, માધ્યમિક કક્ષાના માળખા મુજબના માર્ક્સ તેમજ શાળા કક્ષા વિષયના માર્ક્સ બોર્ડની વેબસાઇટ gseb.org અને sscmarks.gseb.org પરથી ઓનલાઇન 8 જૂન 2021ના રોજ સવારે 11 વાગ્યાથી17 જૂન સાંજે 5 કલાક સુધીમાં ભરવાના રહશે. પરીક્ષાર્થીઓના ગુણ પરીક્ષાર્થીઓનાં નામ અને એપ્લિકેશન નંબરના આધારે ભરવાના રહેશે. ઓનલાઇન માર્ક્સ માટે સ્કૂલના ઇન્ડેક્સ નંબર અને નોંધાયેલા મોબાઇલ નંબરનો ઉપયોગ કરી લોગ-ઇન કરી શકાશે.
હવે વિદેશ જવામાં કોઈ અડચણ નહીં નડે
ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન તો સરકારે જાહેર કરી દીધું, પણ એની માર્કશીટ તૈયાર કરવાની પદ્ધતિમાં શિક્ષણ બોર્ડ ગૂંચવાઈ ગયું હતું. પરિણામે, ખાસ સમિતિ બનાવી હતી, એનાં તારણો અને ફોર્મ્યુલાના આધારે માર્કશીટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હજુ પણ મૂંઝવણ છે કે પરિણામ સારું આવશે, પણ એમાં માસ પ્રમોશન લખેલું હશે તો ઉચ્ચ અભ્યાસથી માંડીને વિદેશ જવામાં નડતરરૂપ બનશે તો કારકિર્દી રોળાઈ જશે. વાલી-વિદ્યાર્થીઓની આ ચિંતાથી માધ્યમિક શિક્ષણ બોર્ડ પણ સજાગ હોવાથી તેણે નક્કી કર્યું છે કે ધોરણ 10 અને 12ની માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં.
કોઈ બાળકને નુકસાન ન થાય એવી પદ્ધતિ બોર્ડ અપનાવશે
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, બોર્ડની માર્કશીટમાં કયાંય માસ પ્રમોશનનો ઉલ્લેખ નહીં હોય. કોઈ બાળકને નુકસાન ન થાય એવી પદ્ધતિ બોર્ડ અપનાવશે નહિ. એટલું જ નહીં, કોઈ બાળકને ભવિષ્યમાં કોઈ એવું કહીને નહીં જાય કે પરીક્ષા વગર વિદ્યાર્થી પાસ થયો છે, એ પદ્ધતિથી માર્કશીટ તૈયાર કરવામાં આવશે. ધોરણ 10ની માર્કશીટ તૈયાર કરવા માટે માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કરેલી ફોર્મ્યુલામાં સાવ ઠોઠ કે સામાન્ય પરીક્ષામાં પણ પૂરતા માર્ક ના લાવી શકતા હોય તેવા વિદ્યાર્થીઓની માર્કશીટમાં Qualified For Secondary School Certificate લખવામાં આવશે.
નબળા વિદ્યાર્થીઓના પરિણામપત્રકમાં ગ્રેડ-ડી દર્શાવાશે
નબળા વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશનને કારણે પાસ થવામાં ખૂટતા ગુણની તૂટ બોર્ડ દ્વારા પરિણામમાં દર્શાવી ગુણ તૂટ ક્ષમ્ય ગણવામાં આવશે. વિદ્યાર્થીને પાસ થવામાં જેટલા ગુણ ખૂટતા હશે એટલા ગુણની તૂટ માફ કરીને પરિણામ પાસ જાહેર કરવામાં આવશે. આવા ઉમેદવારના પરિણામ પત્રકમાં ગ્રેડ-ડી દર્શાવાશે. ધોરણ-10 પરીક્ષામાં દરેક વિષયમાં 80 ગુણમાંથી 26 ગુણ અને 20 ગુણમાંથી 7 ગુણ મેળવી શક્યા ન હોય તેવા ઉમેદવારોને માસ પ્રમોશનને કારણે પાસ જાહેર કરવામાં આવશે. આવા વિદ્યાર્થીઓના પરિણામમાં Qualified For Secondary School Certificate લખવામાં આવશે.
ધો.1થી 12નું ઓનલાઇન શિક્ષણ શરૂ
ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ ગઈકાલથી શાળા-કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો આરંભ થઇ ચૂક્યો છે. ધો.1થી 12ની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા આશરે 1.27 કરોડ વિદ્યાર્થીનું શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે, જેમાં કોરોના મહામારીને કારણે પ્રત્યક્ષ શિક્ષણકાર્યને બદલે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સતત બીજા વર્ષે ઓનલાઈન શિક્ષણકાર્ય શરૂ થયું છે, આથી આ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવ ઊજવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં શાળા-કોલેજોમાં 100 ટકા સ્ટાફ હાજર છે અને ઓનલાઈન શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે.