અંજલિ ગાયકવાડ 7 અઠવાડિયા બાદ શોમાંથી બહાર થઈ
‘ઇન્ડિયન આઇડલ 12’માં છેલ્લાં સાત અઠવાડિયા બાદ પહેલી જ વાર એલિમિનેશન રાઉન્ડ જોવા મળ્યો, જેમાં 15 વર્ષીય અંજલિ ગાયકવાડ બહાર થઈ છે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં અંજલિએ કહ્યું હતું કે તેનું સપનું છે કે તે આખી દુનિયામાં ક્લાસિકલ સિંગિંગથી પોતાની અલગ ઓળખ બનાવે.
તમામ યાદો લઈને ઘરે પરત ફરી
અંજલિએ કહ્યું હતું, ‘આ શોમાં કામ કરતાં મને છ મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે. અત્યાર સુધીનો મારો અનુભવ ઘણો જ શાનદાર રહ્યો છે. અમારો શો જુલાઈમાં પૂરો થવાનો હતો, પરંતુ કોવિડને કારણે શો આગળ વધ્યો. આ સફરમાં હું ઘણું બધુ શીખી છું. અનેક લિવિંગ લિજેન્ડ્સની સામે પર્ફોર્મ કરવું મારા માટે સપના જેવું હતું. આ તમામ મોમેન્ટ્સને સાથે લઈને ઘરે પરત ફરી છું.’
પપ્પાનું સપનું પૂરું કરી શકી નહીં
અંજલિએ આગળ કહ્યું હતું, ‘સાત અઠવાડિયા પછી મારું પહેલું એલિમિનેશન થયું. આ કારણે હું થોડી નિરાશ થઈ. મારા પપ્પાનું સપનું હતું કે હું ટોપ 5માં આવું, પરંતુ હું આ સપનું પૂરું કરી શકી નહીં. આ સાથે જ મેં વિચાર્યું પણ નહોતું કે આ શો સાથે આટલો સમય સંકળાયેલી રહીશ. શોના તમામ લોકો મારા પરિવાર જેવા થઈ ગયા હતા. આથી બધાથી અલગ થવું ગમતું નહોતું. જોકે, જજિસના નિર્ણય તથા વોટિંગ બાદ મારું એલિમિનેશન થયું છે.’
સો.મીડિયા ટ્રોલિંગને ગંભીરતાથી લેતી નથી
અંજલિએ છેલ્લાં કેટલાંક દિવસથી શો સાથે જોડાયેલા વિવાદ અંગે કહ્યું હતું, ‘સાચુ કહું તો હું અંગત રીતે ક્યારેય સો.મીડિયા ટ્રોલિંગને ગંભીરતાથી લેતી નથી. ઓડિયન્સને એન્ટરટેઈન કરવા માટે અમે ઘણી જ મહેનત કરીએ છીએ. શન્મુખા પ્રિયા ઘણી જ સારી ગાયિકા છે. તમામ સ્પર્ધકો પોતાનું બેસ્ટ આપવાનો પ્રયાસ કરે છે.’
ક્લાસિકલ સિંગિંગથી અલગ ઓળખ બનાવવાની ઈચ્છા
અંજલિએ વાતચીતમાં કહ્યું હતું, ‘ક્લાસિકલ બીટ પકડીને સિંગિંગમાં કરિયર બનાવવાની ઈચ્છા છે. આ સાથે જ ફૉક તથા વેસ્ટર્ન પણ શીખીશ, પરંતુ પૂરું ફોકસ ક્લાસિકલ મ્યૂઝિક પર હશે. મારું સપનું છે કે આખી દુનિયામાં ક્લાસિકલ સિંગિંગથી મારી ઓળખ બનાવું અને વિદેશમાં જઈને પર્ફોર્મ કરું. મારે વર્સેટાઈલ સિંગર બનવું છે.’
રેખાજી સામે પર્ફોર્મ કરવું એ મારા માટે મોટી વાત હતી
બેસ્ટ મોમેન્ટ અંગે વાત કરતાં અંજલિએ કહ્યું હતું, ‘આમ તો શોમાં ઘણાં લિવિંગ લિજેન્ડ શોનો હિસ્સો બન્યા, પરંતુ મારા માટે સૌથી યાદગાર ક્ષણ રેખા મેમ સાથેની હતી. તેમની સામે પર્ફોર્મ કરવું મારા માટે સૌથી મોટી વાત હતી. હું મારી જાતને બહુ જ નસીબદાર માનું છું. જ્યારે મારું પર્ફોર્મન્સ પૂરું થયું તો તેમણે મારી નજર ઊતારી હતી. મારા માથે તેમણે હાથ મૂક્યો હતો. મને હજી સુધી આ વાતનો વિશ્વાસ થતો નથી.’ ઉલ્લેખનીય છે કે 15 વર્ષીય અંજલિ અહમદનગરમાં રહે છે. તે આ શોની સૌથી યંગેસ્ટ સ્પર્ધક હતી.