ગાંધીનગરગુજરાત

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે વિરોધ કરતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગી કાર્યકરોની ધરપકડ

ગાંધીનગર :

ગાંધીનગરમાં આવેલી રાજ્ય સત્યાગ્રહ છાવણીમાં આજે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં સોશિયલ ડિસ્ટન્સીનાં કાયદાનું ચિર હરણ કરીને પેટ્રોલ ડીઝલના નિરંકુશ ભાવ વધારાના વિરોધમાં ધરણાં યોજી સરકારની ઝાટકણી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ સહિતના સ્થાનિક હોદ્દેદારો તેમજ કાર્યકરો પણ ધરણાં કાર્યક્રમમાં જોડાયા હતા. જેમાં કાર્યકરો સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ધરપકડ કરવામાં આવી છે.

માત્ર 5 મહિનાના ટૂંકા ગાળામાં 42 વખત ભાવ વધારો કરાયો છે. આ સંજોગોમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં પેટ્રોલ-ડીઝલના આ અસહય ભાવ વધારા સામે વિરોધ વ્યક્ત કરવા આજે ગાંધીનગર સેકટર 6 ખાતે આવેલી સત્યાગ્રહ છાવણીમાં ધારાસભ્ય સી.જે ચાવડા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી સહિતના જિલ્લાના પદાધિકારીઓ તેમજ કાર્યકરો એકઠા થઇને સરકાર વિરોધી ધરણા યોજવામાં આવ્યા હતા.

કોરોના વૈશ્વિક મહામારીના વચ્ચે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેર અસર હેઠળ પ્રજાજનો જ્યારે ભારે આર્થિક સંકડામણ અનુભવી રહ્યાં છે. ત્યારે કેન્દ્રની ભાજપ સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાં અસહય વધારો કર્યો છે. “અબકી બાર પેટ્રોલ 100 કે પાર” ના સૂત્ર સાથે છેલ્લા 3 મહિનામાં કેન્દ્રની મોદી સરકારએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં અનુક્રમે રૂપિયા 25.72 અને 23.93 પ્રતિ/ લિટર ધરખમ વધારો કર્યો છે. જેનાં પગલે ગુજરાતની પ્રજા મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ ગઈ છે. ત્યારે આજે યોજાયેલ ધરણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા. જેમાં ઘણા સ્થાનિક નેતાઓ જ માસ્ક વિના ભીડમાં ગોઠવાઈ ગયા હતા.

કોંગ્રેસી નેતા તેમજ કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સી વિના પેટ્રોલ ડિઝલ ભાવ વધારાના બેનરો સાથે સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. એક તબક્કે કોંગ્રેસી નેતા તેમજ કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સી વિના જ લાઈન બંધ બેસીને ફોટો સેશન કરાવવા લાગ્યા હતા. ત્યારે પોલીસે પણ જાણે રાજકીય પક્ષોને કોરોનાના કાયદા તોડવાની મૂક સંમતિ આપી દીધી હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું હતું.

ભાજપા સરકાર છેલ્લા 7 વર્ષમાં કોઈ “અચ્છે દિન”લાવી નથી કે ના મોંઘવારી ઘટી

આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો કરીને જણાવ્યું હતું કે, ભાજપની મોદી સરકારમાં પેટ્રોલ ડિઝલના ભાવો આસમાને પહોંચી ગયા છે. પેટ્રોલ ડિઝલના અસહ્ય ભાવ વધારાના કારણે મોંઘવારીએ માઝા મૂકી છે. 36 રૂપિયાના ભાવે મળતું પેટ્રોલ રૂ. 93-94 નાં ભાવે વેચાઈ રહ્યું છે. રાજયની પ્રજાને કોણ લૂંટવા બેઠું છે. ” અચ્છે દિન આયેગે.. બહુત હુઈ મહેગાઇ કી માર.. અબ કી બાર મોદી સરકાર..” જેવા રૂપાળા સૂત્રો આપી સત્તા હાંસલ કરનાર ભાજપા સરકાર છેલ્લા 7 વર્ષમાં કોઈ “અચ્છે દિન”લાવી નથી કે ના મોંઘવારી ઘટી છે. ઉલટાનું લોકોને લૂંટવામાં આવી રહ્યાં હોવાનું કહી તેમણે સરકારની ઝાટકણી કાઢી હતી.બીજી તરફ ગાંધીનગર પોલીસ દ્વારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ગાંધીનગર જિલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભી, શહેર પ્રમુખ સહિતના કાર્યકરોની અટકાયત પણ કરી લઈ ધરણા કાર્યક્રમનો વીટો વાળી દેવામાં આવ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x