ઓલમ્પિક માટે આંતરાષ્ટ્રિય સ્પોર્ટસ સંકુલ સહિતની સુવિધા ઊભી કરવા આયોજન
અમદાવાદમાં આગામી 2036માં ઓલિમ્પિક રમતોના કેન્દ્ર સરકારના આયોજનના ભાગરૂપે અમદાવાદના ચાંદખેડા અને મોટેરા સ્ટેડિયમ વિસ્તારમાં આંતરાષ્ટ્રીયકક્ષાના મેદાનો, હોટલ અને રસ્તા સહિતની સુવિધા ઊભી કરવા સરકારી જમીન અનામત રાખવા જિલ્લા કલેક્ટર કચેરીએ શહેરી વિકાસ સત્તામંડળને સૂચના આપી છે. ઔડાના અધિકારીઓએ કહ્યું કે, ઉપરોક્ત વિસ્તારમાં સરકારી જમીન સિવાયના વિવિધ એમિનિટીસ માટે અનામત રાખેલા પ્લોટ પર આયોજન ચાલુ રહેશે.
ઔડાના ઉચ્ચ અધિકારીઓએ કહ્યું કે, ચાંદખેડા અને મોટેરા સ્ટેડિયમ વિસ્તારમાં ઔડાની હદમાં આવતા ભાટ, ચાંદખેડા, સુઘડ, કોટેશ્વર, મોટેરા અને નાના ચિલોડાના ગામોની સરકારી જમીનના પ્લોટ અનામત રાખવાનો નિર્ણય કરાયો છે. આ સરકારી પ્લોટ પર યોજાનાર ઓલમ્પિક માટે આંતરાષ્ટ્રિય સ્પોર્ટસ સંકુલ સહિતની સુવિધા ઊભી કરવા આયોજન ચાલી રહ્યું છે. જેના માટે ગેપ એનાલિસીસ કરવા ઔડાએ ટેન્ડર બહાર પાડ્યું છે. આ ટેન્ડરમાં નક્કી થનાર એજન્સી ત્રણ મહિનામાં ઓલિમ્પિક રમતો માટે ઇન્ફાસ્ટ્રક્ચર, રોડ, હોટલ અને સ્ટેડિયમની જરૂરિયાતના રિપોર્ટ આપશે, જે ઉચ્ચ ઓથોરિટીને સોંપાશે.