જો તમે ઘર લેવાનું વિચારી રહ્યા હોવ તો આ વાત જાણી લેજો, કિંમતમાં થશે વધારો, જાણો કારણ
રિયલ એસ્ટેટ ડેવલોપર્સની સંસ્થા ક્રેડાઈએ જણાવ્યા કારણ
રિયલ એસ્ટેટ ડેવલોપર્સની સંસ્થા ક્રેડાઈએ કહ્યું છે કે સ્ટીલ અને સિમેન્ટના ભાવોમાં વધારો થતાં નિર્માણના ભાવમાં પણ 10 થી 20 ટકાની વૃદ્ધિ થશે. આ સ્થિતિના કારણે ઘરની કિંમતમાં વધારો થવાની સંભાવના છે. ક્રેડાઈના ચેરમેન સતીશ મગરે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા એક મિટિંગ કરી હતી. આ મિટિંગ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે કોરોનાની બીજી લહેરને કારણે એપ્રિલ મહિનાથી રિયલ એસ્ટેટને કેટલું નુકશાન થયું છે તેની જાણકારી મેળવવાની હતી. કારણકે પહેલી લહેર અને બીજી લહેરમાં કેટલા ટકા ઓછા થયા તેની સ્પષ્ટતા તેમણે કરી નહીં.
સ્ટીલ અને સિમેન્ટન ભાવમાં ગયા વર્ષથી જ થયો વધારો
ક્રેડાઈના અધ્યક્ષ હર્ષવર્ધન પટોડીયાએ કહ્યું કે ગયા વર્ષે જ સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં ઘણો વધારો થયો છે. જેના કારણે હવે ઘરોના ભાવમાં વધારો આવશે, તેમણે વધુમાં કહ્યું કે ડેવલોપર્સ મકાનોના ભાવ વધારવા માટે મજબૂર છે કારણકે હવે તેઓના નિર્માણ માટેના ખર્ચમાં ઘણો વધારો થશે. નિર્માણ એસોશીએશન ઘણી વાર આ બાબતે સરકારને કહી ચૂકી છે કે સિમેન્ટ અને સ્ટીલના ભાવ પર નિયંત્રણ લાવવામાં આવે. ભારતીય પ્રતિસ્પર્ધા આયોગમાં પણ આ વાત વિરુદ્ધ અરજી કરવામાં આવેલ છે.
કોરોનાની પહેલી લહેર કરતાં બીજી લહેરમાં ડેવલોપર્સને થયું ઘણું નુકશાન
ક્રેડાઈનું કહેવું છે કે કોરોનાની પહેલી લહેર કરતાં બીજી લહેરને કારણે તેમના વ્યવસાયમાં ઘણું મોટું નુકશાન થયું છે. તેમના દ્વારા કરવામાં આવેલ સર્વેક્ષણ અનુસાર બીજી લહેર આવ્યાના એપ્રિલ મહિનાથી વ્યવસાયમાં ઘણું જ નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. ઘણા રાજ્યોમાં લોકડાઉન હોવાને કારણે કામ પણ અટકી પડ્યું હતું. તેમણે કહ્યું કે ડેવલોપર્સ પાસે મજૂરોની અછત, નાણાંની અછત, બાંધકામ માટેના ટેક્સમાં વધારો અને ઓછા ગ્રાહકોને કારણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.