ખાતરો પર 14 હજાર 775 કરોડ રૂપિયાની વધારાની સબસિડી
કેન્દ્ર સરકારે ખેડૂતોના (Farmers) હિતમાં મોટો નિર્ણય લીધો છે. ખરીફ (Kharif) સીઝનમાં લેવાયેલા આ નિર્ણયથી ખેડૂતોને ઘણી રાહત મળશે. આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળ સમિતિની બેઠકમાં ખાતરો પર 14 હજાર 775 કરોડ રૂપિયાની વધારાની સબસિડી આપવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી ડીએપી (DAP) પર સબસિડી માટે 9125 કરોડ રૂપિયા જાહેર કરાયા છે, જ્યારે એનપીકે ખાતર માટે રૂ. 5650 કરોડની વધારાની ફાળવણી કરવામાં આવી છે.
આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, ગયા મહિને જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતરો પરની સબસિડી વધારવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આ સંદર્ભમાં એક સૂચના પણ 20 મેના રોજ જારી કરવામાં આવી હતી.
ડીએપીની એક થેલી પર 1200 રૂપિયા સબસિડી
આ નિર્ણય અંતર્ગત ડીએપી ખાતર પર સબસિડી 500 રૂપિયા પ્રતિ બેગથી વધારીને 1,200 કરવામાં આવી છે, જે આશરે 140 ટકાનો વધારો છે. આમ, આંતરરાષ્ટ્રીય બજારમાં ડીએપીના ભાવમાં વધારા હોવા છતાં તેનું વેચાણ બેગ દીઠ 1,200 ની જૂની કિંમતે ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે, કેન્દ્ર સરકારે જ ભાવ વધારાનો સંપૂર્ણ ભાર સહન કરવાનો નિર્ણય લીધો છે. પ્રતિ બેગ સબસિડીની માત્રામાં આટલો વધારો ક્યારેય થયો નથી.
2400 રૂપિયા પ્રતિ બેગ ડીએપીની કિંમત છે
છેલ્લા કેટલાક મહિનાઓમાં ડીએપી અને અન્ય પી એન્ડ કે ખાતરોના કાચા માલના આંતરરાષ્ટ્રીય ભાવમાં તીવ્ર વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં રેડીમેડ ડીએપી વગેરેના ભાવ પણ સમાન પ્રમાણમાં વધ્યા છે. આમ ડીએપીની બેગની વાસ્તવિક કિંમત વધીને રૂ. 2,400 થઈ છે, જે ખાતર કંપનીઓ 500 રૂપિયાની સબસિડી સાથે બેગ દીઠ 1,900 રૂપિયામાં વેચે છે. સરકારે આ નિર્ણયને ધ્યાનમાં રાખીને લીધો હતો કે, ખેડૂતો ઉપર કોઈ વધારાનો ભાર ન આવે. આ નિર્ણયને લીધે હવે ખેડૂતોને માત્ર 1200 રૂપિયામાં DAP મળી રહ્યો છે.
કેન્દ્ર સરકાર દર વર્ષે રાસાયણિક ખાતરો પર સબસિડી આપવા માટે આશરે 80,000 કરોડ રૂપિયા ખર્ચ કરે છે. ડીએપી અને અન્ય સબસિડીવાળા પી એન્ડ કે ખાતરો પર સબસિડીમાં વધારાની સાથે સાથે ખરીફ સીઝન 2021 માટે 14,775 કરોડ રૂપિયાની વધારાની સબસિડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.