ગુજરાતના બોર્ડના રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાનું આયોજન કરાશે
ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. વાયરસના કેસ ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. કોરોના વાયરસના કેસ વધતાં રાજ્યમાં પરીક્ષાઓને રોકી દેવામાં આવી હતી જેમાં ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાઓ તો રદ્દ કરી દેવામાં આવી છે. જોકે રીપીટર વિદ્યાર્થીઑને તેમાં રાહત આપવામાં આવી નથી.
15 જુલાઇથી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શરૂ થશે
ગુજરાત બોર્ડ દ્વારા આ પરીક્ષાને લઈને તારીખો જાહેર કરવામાં આવી છે જેમાં 15 જુલાઇથી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શરૂ કરવામાં આવશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા કરાઇ હતી માગ
નોંધનીય છે કે ગુજરાતમાં ધોરણ 10 અને 12ના બધા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું હતું ત્યારે રિપીટર વિદ્યાર્થીઓ દ્વારા પણ માંગ કરવામાં આવી હતી કે માસ પ્રમોશન આપવામાં આવે. જોકે બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.