ઇન્દ્રોડા નેચર પાર્કને મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું
છેલ્લા 52 દિવસ સુધી બંધ રહેલા ઇન્દ્રોડા નેચર પાર્કને મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જોકે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને મુલાકાતીઓને વાઘ અને સિંહના દર્શન માટે હજુ પણ રાહ જોવી પડશે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને પાર્કને બપોરે 1 કલાક સુધી ખુલ્લુ રાખવામાં આવશે.
કોરોનાની બીજી લહેરને પગલે ગત તારીખ 28મી, એપ્રિલ-2021ના રોજ ગાંધીનગરના જ-માર્ગ ઉપર આવેલા ઇન્દ્રોડા નેચર પાર્કને મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. જોકે છેલ્લા 52 દિવસ સુધી ઇન્દ્રોડા નેચર પાર્ક બંધ રહ્યા બાદ હાલમાં કોરોનાના ઘટતા જતા કેસને જોતા પુન: ખોલવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઇન્દ્રોડા પાર્કમાં વાઘ અને વાઘણની જોડી લાવ્યા બાદ પ્રથમ વખત ઇન્દ્રોડા પાર્ક મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકવામાં આવતા લોકોમાં ખુશી જોવા મળતી હતી.
ઉપરાંત નગરવાસીઓને હવે સિંહ બાદ વાઘને પણ નગરના ઇન્દ્રોડા પાર્કમાં થઇ શકશે. આથી અમદાવાદ પ્રાણી સંગ્રહાલય સુધી લાંબા થવામાંથી છુટકારો મળશે. ત્યારે ગીર ફાઉન્ડેશન સંચાલિત ઇન્દ્રોડા નેચર પાર્કને ગત તારીખ 19મી, શનિવારે કોરોનાની નિયત કરેલી ગાઇડ લાઇનના ચુસ્ત પાલન સાથે મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જોકે હાલમાં પ્રથમ તબક્કામાં ઇન્દ્રોડા નેચર પાર્કને સવારે 9થી બપોરે 1 કલાક સુધી જ મુલાકાતીઓ માટે ખુલ્લુ રાખવામાં આવશે. જ્યારે બપોરે પછી મુલાકાતીઓ માટે નેચરપાર્કને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બપોરે 12 વાગ્યા પછી એન્ટ્રી અપાશે નહીં
ઇન્દ્રોડના નેચર પાર્કમાં મુલાકાતીઓ માટે ટિકીટ રાખવામાં આવી છે. જોકે હાલમાં મુલાકાતીઓ માટે ખોલી દેવામાં આવ્યું છે. પરંતુ કોવિડની ગાઇડ લાઇનના ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. આથી ઇન્દ્રોડા નેચર પાર્કમાં બપોરે 12 કલાક પછી મુલાકાતીઓને પ્રવેશ અપાશે નહીં.