પાંચ વર્ષમાં અકસ્માતના ૯,૭૩૧ બનાવમાં ૧,૩૬૮ લોકોનાં મોત
અમદાવાદ,તા.૨૪
અમદાવાદ શહેરમાં જાન્યુઆરી ૨૦૧૧થી માર્ચ ૨૦૧૬ સુધી ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતના કુલ ૯,૭૩૧ ગુના દાખલ કર્યાં હતાં.જેમાં ૧,૩૬૮ લોકોનાં મોત નિપજ્યાં હતાં.જયારે ૧,૮૫૨ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
શહેરમાં અકસ્માતના ૨૦૧૧ના વર્ષમાં ૨૦૨૦ ગુના દાખલ કરવામાં આવ્યા હતા.જેમાં ૨૨૭ લોકોનાં મોત નિપજ્યાં હતાં.જયારે ૩૯૭ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જયારે ૧,૬૩૯ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.૨૦૧૨માં ૧,૮૫૦ ગુના દાખલ કરવામાં આવ્યા હતા.જેમાં ૨૫૧ લોકોનાં મોત નિપજ્યાં હતાં.૩૫૪ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જયારે ૧,૪૯૧ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.૨૦૧૩ ના વર્ષમાં અકસ્માતના ૧,૮૮૮ ગુના દાખલ થયા હતા.જેમાં ૨૩૦ લોકોનાં મોત નિપજ્યાં હતાં.જયારે ૩૩૩ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.૧,૫૨૨ લોકોેને સામાન્ય ઈજાઓ થઈ હતી. ૨૦૧૪ના વર્ષમાં અકસ્માતના કુલ ૧,૬૪૨ ગુના નોંધ્યા હતા.જેમાં ૨૬૨ લોકોનાં મોત નિપજ્યાં હતાં.જયારે ૨૯૮ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.૧,૨૯૯ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.૨૦૧૫ના વર્ષમાં ૧,૮૩૭ ગુના અકસ્માતના નોંધ્યા હતા.જેમાં ૩૨૮ લોકોનાં મોત નિપજ્યાં હતાં.જયારે ૩૫૯ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.૧,૩૬૩ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. માર્ચ ૨૦૧૬ સુધીમાં ૪૯૪ ગુના નોંધાયા હતા.જેમાં ૬૦ લોકોનાં મોત નિપજ્યાં હતાં.જયારે ૧૧૧ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઉપરાંત ૩૧૮ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.આમ અકસ્માતના ગુનાઓ ઘટાડવા માટે સરકાર દ્વારા ટ્રાફિકની પોલિસી પણ જાહેર કરવામાં આવી હતી.આમ છતા અમદાવાદમાં ટ્રાફિકના નિયમોના ભંગ કરવાના અને અકસ્માતના ગુના ઘટવાનું નામ લેતી નથી.
ટ્રાફિક પોલીસ માત્ર ટુ વ્હિલર ચાલકો સામે પગલાં ભરે છે
શહેર ટ્રાફિક શાખા દ્વારા ભેદભાવ ભરી નીતિ અપનાવવામાં આવી રહી છે. ટુ વ્હિલર વાહન ચાલકો સામે તુરત પગલાં ભરવામાં આવે છે.જયારે ફોર વ્હિલરના વાહન ચાલકો સામે પગલાં ભરતા ટ્રાફિક પોલીસ ખચકાઈ રહી છે.અત્યાર સુધી ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિકનો ભંગ કરવા બદલ ટુ વ્હિલરના વાહન ચાલકો વધુ છે.જયારે ફોરવ્હિલરના વાહન ચાલકો ટ્રાફિકનો ભંગ કરતા હોવા છતા તેમની સામે પગલાં લઈ શકતી નથી. ફોર વ્હિલરના વાહન ચાલકો સૌથી વધુ મોબાઈલ ઉપર વાત કરતા હોવા છતા ટ્રાફિક પોલીસ તેમની સામે કાર્યવાહી કરી શકતી નથી.ફોર વ્હિલરના વાહન ચાલકો આધેધડ વાહનો હકારતા હોવા છતા ટ્રાફિક પોલીસ કોઈ પગલાં ભરતી નથી.કોઈ મોટો અકસ્માત થાય ત્યારે ટ્રાફિક પોલીસ મોટી જાહેરાત કરતી હોય છે પણ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ હોય છે.ખરેખર ટ્રાફિકના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પોલીસની જેમ નાઈટ કરીને પૂર ઝડપે વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવી જોઈએ. ટ્રાફિક શાખા દ્વારા પોલીસને દરરોજની ફરિયાદ કરવાનો ટાર્ગેટ આપવામાં આવતો હોય છે.જેના લીધે ટ્રાફિક પોલીસ માત્ર ટુ વ્હિલર વાહન ચાલક સામે હેલ્મેટ,પીયુસી સહિતના કાયદા બતાવીને કાર્યવાહી કરતી હોય છે.ટ્રાફિક પોલીસનો ટાર્ગેટ પૂરો થાય પછી ટ્રાફિક પોલીસ રોડની સાઈડમાં બેસી જતા હોય છે.ટ્રાફિક પોલીસે અત્યાર સુધી માત્રને માત્ર ટુ વ્હિલર વાહન ચાલકો પાસેથી કરોડો રૂપિયા દંડ વસૂલ્યો છે.જ્યારે ફોર વ્હિલર વાહન ચાલકો પાસેથી માત્ર નામનો દંડ વસૂલવામાં આવ્યો છે.