આરોગ્યગુજરાત

રૂ.1000 માં ટેબ્લેટ યોજનામાં 10,973 વિદ્યાર્થીઓને નોંધણી કરી છતાં ટેબ્લેટ ન મળ્યા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શૈક્ષણિક વર્ષ 2019-20 દરમિયાન સરકારની ટેબલેટ યોજના અંતર્ગત નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી 30 હજાર ટેબલેટ સરકાર તરફથી ફાળવવામાં આવ્યા હતા. પરંતુ ફી સહિત સફળતા પૂર્વક નોંધણી થયેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી 10,973 વિદ્યાર્થીઓને ટેબ્લેટ ફાળવવાના હજુ બાકી છે.

આ માટે વારંવાર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સરકારની સંબંધિત કચેરી પર જઈને પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ વિદ્યાર્થીઓને બાકી ટેબલેટ મળી શક્યા નથી.

આ પરિસ્થિતિમાં મળેલી રજુઆતો બાદ જે તે કોલેજે સંબંધિત વિદ્યાર્થીઓને ટેબ્લેટની રકમ પરત કરવાનો નિર્ણય સિન્ડિકેટની બેઠકમાં કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારે વર્ષ 2017માં 1 હજાર રૂપિયામાં નમો ટેબ્લેટ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ બે વર્ષ સુધી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા હતા. પણ એ પછી ગયા વર્ષે કોરોના પેનડેમીકને કારણે યોજના હેઠળ ટેબ્લેટ મળી શક્યા નહોતા. ટેબ્લેટની ક્વોલિટી સારી ન હોવા સાથે ચાઈના સાથે પ્રોબ્લેમ થવાના કારણે ગુજરાત સરકારે ચાઈના પાસે ટેબ્લેટ લેવાનું માંડી વાળ્યું હતું. યુનિવર્સિટીને પણ સરકારે કહી દીધું હતું કે ટેબ્લેટ મળી શકે તેમ નથી. જેથી વિદ્યાર્થીઓને 1 હજાર પરત કરી દેવા.

જોકે યુનિવર્સિટી આ મામલે ફક્ત મધ્યસ્થીનું જ કામ કરી રહી છે. વિદ્યાર્થીઓ કોલેજોને રૂપિયા જમા કરાવે, કોલેજો યુનિવર્સીટીને અને યુનિવર્સીટી એ રકમ સરકારને મોકલાવે. ટેબ્લેટ આવતા સરકાર યુનિવર્સીટીને આપે અને યુનિવર્સિટી કોલેજોને જે વિદ્યાર્થીઓએ રૂપિયા જમા કરાવ્યા હોય તેટલા ટેબ્લેટ આપે.

યુનિવર્સિટી દ્વારા કેસીજીમાં ટેબલેટ માટે રકમ જમા કરવામાં આવી હતી. પરંતુ હજી ટેબ્લેટ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા નથી. આ રકમ યુનિવર્સિટીને પરત કરવા વિનંતી કરવી અને સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે ત્રણ સભ્યો કિરણ ઘોઘારી, વિમલ શાહ અને હસમુખ પટેલની એક કમિટી બનાવવામાં આવી છે. અને જેનો રિપોર્ટ સિન્ડિકેટની સભાને આપવામાં આવશે.

બીજી તરફ છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ આ મામલે લડત શરૂ કરી છે કે યુનિવર્સિટી ક્યાં તો વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપે, નહિ તો ટેબ્લેટના રૂપિયા પરત કરે. જ્યાં સુધી બે માંથી એકેય નહિ મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x