ગુજરાતવેપાર

ડિઝલ અને બિયારણમાં મોંઘવારીની માયાજાળે ખેડૂતની કેડ ભાંગી નાખ્યાનો નિસાસો…

કચ્છ જિલ્લામાં વર્ષારાણીના રૂમઝુમ આગમનથી ચોમાસાએ દરવાજે ટકોરા મારતા જગતનો તાત રાજીનો રેડ થયો છે, પરંતુ ડિઝલ અને બિયારણમાં આવેલી મોંઘવારીથી ખેડૂતોના ખિસ્સા આ વખતે વધુ હળવા કરવા પડશે તેવો તાલ સર્જાયો છે. પરિણામે મોંઘા ખર્ચા કરીને પણ ખેતી નિભાવવી પડશે.આ અંગેની વિગત મુજબ પાછલા થોડા વર્ષોથી ખેતી દિન પ્રતિદિન ખર્ચાળ બનતી જાય છે. કારણ કે, ખેડૂત સિઝન દરમ્યાન મહેનત કરી પાક ઉત્પાદીત કરે અને જયારે બજારમાં તે ખેત પેદાશો વેચવા માટે જાય ત્યારે યોગ્ય ભાવો મળતા નથી. જે ખર્ચો કર્યો હોય તેના રૂપિયા પણ માંડ માંડ ઉભા થાય છે. સરકાર દર વખતે ટેકાના ભાવે માલ ખરીદવાની વાતો કરે છે પરંતુ સરકારનો ટેકો ખેડૂતો ટેકો આપતો નથી. પરિણામે ખેતીમાં નુકશાની જ થઈ રહી છે. એમાં પણ આ વર્ષે વરસાદની સીઝન બારમાસી રહી હતી. શિયાળા અને ઉનાળા દરમ્યાન વરસાદ વરસ્યો હતો. જેનાથી પણ પાક નુકશાની થઈ હતી. પરંતુ સરકાર સહાય ચુકવવામાં એવા જટીલ નિયમો બનાવે છે કે, કોઈને લાભ મળતો નથી. હાલમાં જોવા જઈએ તો ખેતીના ખર્ચમાં બમણો વધારો થયો છે. કારણ કે, ડિઝલના જે ભાવ ૬૦ થી ૭૦ની આસપાસ હતા તેમાં વર્ષ દરમ્યાન તોતીંગ વધારો થયો છે.હાલમાં ડિઝલના ભાવ ૯પ રૂપિયે પ્રતિ લિટર કચ્છમાં પહોંચી ગયા છે, જે ૧૦૦ થતા પણ વાર નહીં લાગે. ખેતરોમાં જમીનનું ખેડાણ તેમજ ખેત પ્રક્રિયા માટે ટ્રેકટરની જરૂરીયાત હોય છે, જેમાં દરરોજ ડિઝલ પુરાવું પડે પરંતુ ભાવ આસમાનનેે આંબી જતા ખેડૂતો ફરી બળદથી ખેતી કરવાનું પણ વિચારી રહ્યા છે. ડિઝલના વધારાની સાથોસાથ બિયારણની પડોજણે પણ ખેડૂતોને ચિંતામાં ધકેલી દીધા છે. કારણ કે આ વખતે ચોમાસુ આવી ગયું પરંતુ સબસીડીયુક્ત બિયારણના કોઈ ઠેકાણા નથી. પરિણામે બજારમાંથી મોંઘાદાટ બિયારણો લઈ વાવણી કરવાની નોબત આવી છે. અધુરામાં પુરૂં હોય તેમ ખાતરમાં પણ દર વર્ષે ભાવ વધારો થઈ રહ્યો છે. તેની સામે ઉપજના ભાવ ન મળતા હોવાથી ખર્ચા પણ કાઢવા મુશ્કેલ બન્યા છે. જેથી કહી શકાય કે ખેડૂતો વરસાદથી ખુશ છે પણ ડિઝલનો ભાવ વધારો અને મોંઘાદાટ બિયારણના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ઘણા ખેડૂતો ઉછીના નાણા લઈને ખેતીનો વ્યવસાય કરતા હોય છે. કચ્છમાં ત્રણ વર્ષથી સારો વરસાદ પડે છે, જેથી ખેડૂતોને વાવણીમાં વાંધો આવતો નથી. પરંતુ અગાઉના વરસોમાં દુષ્કાળ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ પણ સર્જાઈ ચુકી છે. પાછલા બે વર્ષોમાં એકીધારે વરસેલા અનરાધાર મેઘાથી ઘણી જમીનોમાં પાક સડી જવાના લીધે બે થી ત્રણ વખત વાવણી કરવાની પણ નોબત આવી છે. એક વખત વાવણી કાર્યમાં ખેડૂત માંડ માંડ ખર્ચા પુરા કરે છે તેવામાં બે થી ત્રણ વખત વાવણી કરવાની સ્થિતિ સર્જાતી હોઈ ખેતીના વ્યવસાયમાં આવક તો દૂર રહી પરંતુ હવે ખર્ચા વધી રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x