વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનાં પરસોત્તમ સોલંકીએ ખોલી પોલ, કહ્યુ માછીમારોને ભાજપ કઈ નથી આપી રહ્યું
Gandhinagar:
તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારોને મળેલી આર્થિક સહાય મુદ્દે ફરી એકવાર પ્રધાન પરસોત્તમ સોલંકીએ નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાતમાં થોડા સમય પહેલા ત્રાટકેલા તાઉતે વાવાઝોડામાં ભારે નુક્સા થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવાઇ નિરીક્ષણ પછી રાજ્યને 1 હજાર કરોડની સહાય પણ આપી હતી.
હવે આ સહાયને લઈને રાજ્યકક્ષાના પ્રધાન પરસોત્તમ સોલંકીનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાવાઝોડામાં જાફરાબાદ સહિતના વિસ્તારમાં જે નુક્સાન થયું છે તે અંગે નિવેદન આપતાં કહ્યું હતું કે, માછીમારોને ભાજપની સરકાર દ્વારા વધુ કંઇ આપવામાં આવતું નથી. પેકેજ આપ્યું પણ અમલવારી નથી થઈ રહી. માછીમારોને પૂરતી સહાય નથી મળી.
તો બીજીતરફ કોળી સંમેલન કરવા મુદ્દે જવાબ આપતાં પરસોત્તમ સોલંકીએ કહ્યું કે કરવા ઈચ્છું તો આખા ગુજરાતનો કોળી સમાજ એકઠો કરું અને બધાની તાકાત તોડી નાખું. તેમણે કહ્યું કે કોળી સમાજની બેઠક મળી હતી જેમાં સમાજના સીએમ બનવા જોઈએ તેવી ઈચ્છા વ્યક્ત કરાઈ હતી પરંતુ સમાજના 8થી 9 ધારાસભ્યો હોય ત્યાં સીએમની વાત કરવી યોગ્ય નથી.
માછીમારોને અપૂરતી સહાય મળી હોવાના રાજ્ય સરકારના પ્રધાન પરસોત્તમ સોલંકીના નિવેદન બાદ વિવાદ વકર્યો છે. કૉંગ્રેસે બોલવાની તક ઝડપી લઈને ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. કૉંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે કૉંગ્રેસે માછીમારોને ન્યાય આપવા વારંવાર રજૂઆતો કરી પરંતુ સરકારે કૉંગ્રેસની વાત ન સાંભળી, હવે સરકાર પોતાના મંત્રીની વાત સાંભળીને માછીમારોને રાહત પહોંચાડે તેવી માગ છે.મનિષ દોશીએ આક્ષેપ કર્યો કે ભાજપ ફક્ત જાહેરાતો જ કરે છે હકીકતમાં લોકો સુધી સહાય પહોંચતી નથી. ભાજપ સરકારના ભ્રષ્ટ ચહેરાને તેમના જ પ્રધાને ખુલ્લો પાડી દીધો છે.
જણાવવું રહ્યું કે પરસોત્તમ સોલંકી તેમની નાદુરસ્ત તબિયતને લઈને મોટાભાગનો સમય સચિવાલયમાં આપી નથી શકતા અને ચૂંટણી સમયે અથવા તો સમાજની બેઠકમાં પોતાનો પક્ષ મુકતા રહે છે. આ એવા સમયે તેમનું નિવેદન આવ્યું છે કે જ્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનું માળખું સક્રિય થઈ ગયું છે અને હાલમાં પણ પ્રબારીથી લઈ નિરિક્ષકનાં ગુજરાતમાં ધામાં છે.
પાટીદાર સમાજનાં મુખ્યપ્રધાનની વાત હોય કે પછી માછીમારોને ન્યાય આપવાની વાત હોય પરસોત્તમ સોલંકીએ કોળી સમાજથી લઈ જે તે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તેમને આગળ કરીને ભાજપ પર સીધો વાકપ્રહાર કરી દીધો છે. સ્વાભાવિક છે કે કોંગ્રેસ આવા મુદ્દાઓની શોધમાં હોય છે અને તેણે પણ હારત કામગીરીને લઈને હવે ભાજપને ઘેરવાનું શરૂ કરી દીધુ છે. ભાજપ માટે સમય ફરી ડેમેજ કંટ્રોલનો આવ્યો છે.