ગુજરાત

આગામી પાંચ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના નહીવંત

ગુજરાત અને તેની આસપાસમાં કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાઈ ના હોવાથી, આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના ઓછી છે. હાલ જે રીતે ગુજરાતમાં છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે તે જ પ્રકારે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ગુજરાતમાં મંગળવારની રાત્રીના 12 વાગ્યા સુધીમાં વિવિધ 51 તાલુકામાં એક મીલીમીટરથી લઈને 60 મીલીમીટર સુધીનો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ગયા સપ્તાહે વરસેલા સાર્વત્રિક વરસાદને કારણે, અત્યાર સુધીમાં જે વરસાદ વરસવો જોઈએ એટલો વરસાદ વરસી ગયો છે. માત્ર ગુજરાતના છ જિલ્લાઓમાં સરેરાશ કરતા ઓછો વરસાદ વરસ્યો છે એમ હવામાન વિભાગનું કહેવુ છે.

અમદાવાદમાં ગઈકાલ મંગળવારને 22 જૂનના રોજ બપોરના પડેલા સરેરાશ એક ઈંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદના પૂર્વ વિસ્તારના હાટકેશ્વર સર્કલ  વર્તમાન ચોમાસામાં ત્રીજીવાર ટાપૂમાં ફેરવાઈ ગયુ હતુ. હાટકેશ્વર વિસ્તારની ભૌગોલીક રચનાને કારણે દર વર્ષે વરસાદી ઝાપટા પડે તો પણ બેટમાં ફેરવાઈ જાય છે. આ વિસ્તારને વરસાદી પાણી ભરાવામાંથી મુક્ત કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન લાખ્ખો રૂપિયા ખર્ચે છે. પણ તે તમામ રૂપિયા વરસાદી પાણી ભરાવવાની સમસ્યાનો નિકાલ નથી કરાવી શકતા.

અમદાવાદ પૂર્વના જ ખોખરા સ્થિત ગુજરાત હાઉસીગ બોર્ડની વસાહતના માર્ગો પણ ઢીંચણ સમા પાણીમાં ડૂબ્યા હતા. આસપાસની અનેક સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે,  ખોખરાથી સીટીએમ ચાર રસ્તા સુધીના માર્ગ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. તો કુશાભાઈ ઠાકરે હોલની આસપાસમાં બે ફુટ પાણી ભરાયાના અહેવાલ સાપડ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x