GPSCની પરીક્ષા અંગે મોટી જાહેરાત
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીથી લોકો પીડાઈ રહ્યા છે. સંક્રમણને કારણે રોજગાર તેમજ શિક્ષણ પર સૌથી મોટી અસરો જોવા મળી છે. બીજી તરફ, વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત સહિત દેશભરમાં બોર્ડ સહિતની અનેક પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. ત્યારે હવે GPSCની પરીક્ષા અંગે મોટી જાહેરાત થઈ છે. આગામી 4 જુલાઈથી 5 ઓગસ્ટ વચ્ચે GPSCની પરીક્ષા યોજાશે. આ વિશેની માહિતી GPSCના ચેરમેને ટ્વીટ કરીને આપી છે.GPSCના ચેરમેન દિનેશ દાસાએ ટ્વીટમાં જણાવ્યું છે કે 31 દિવસમાં GPSCની 53 પરીક્ષા યોજાશે. આગામી 4 જુલાઈથી 5 ઓગસ્ટ દરમિયાન પરીક્ષાઓ યોજાશે. અલગ-અલગ પોસ્ટ માટેની પરીક્ષાની તારીખ અને સમય જાહેર કરી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે આ સમાચાર ખૂબ જ મહત્ત્વના છે, જે તારીખો જાહેર થવાની રાહ જોઈ રહ્યા હતા.
15 જુલાઈથી ધો.10-12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે
થોડા દિવસ અગાઉ ગુજરાતના ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો. હવે પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ ધો. 10 તથા ધો. 12ના વિજ્ઞાન, કોમર્સ તથા આર્ટ્સ પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા 15મી જુલાઈથી યોજાશે. માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે જણાવ્યું હતું કે રાજ્યની હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ટાઈમ ટેબલ મુજબ, ધો.10ની પરીક્ષા 15થી 27 જુલાઈ સુધી લેવાશે, જ્યારે ધો. 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 15થી 26 જુલાઈ સુધી હશે તથા આર્ટ્સ અને કોમર્સના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા 28 તારીખે છેલ્લું પેપર હશે.
ધો. 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન
ગુજરાતમાં ધોરણ 10 અને 12ના નિયમિત, રિપીટર, ખાનગી અને પૃથક્ક ઉમેદવારોની બોર્ડની જાહેર પરીક્ષા પહેલી જુલાઈના રોજ લેવાનો નિર્ણય સરકારે કર્યો હતો, પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના રિપીટર, ખાનગી અને પૃથક્ક ઉમેદવારોની પરીક્ષા આગામી 15 જુલાઈના રોજ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. સ્કૂલોના આચાર્યોએ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરવાની રહેશે, એમ શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્યું છે.