મોદીની મીટિંગ શરૂ થાય તે પહેલા જ આ માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા લોકો, જમ્મૂ કાશ્મીરમાં હાઇ અલર્ટ
જમ્મુ-કાશ્મીર મામલામાં પાકિસ્તાનને પણ ચર્ચામાં સામેલ કરવાના મહેબૂબા મુફ્તીના પ્રસ્તાવનો જમ્મુમાં વિરોધ શરૂ થઈ ગયો છે. ગુરુવારે જમ્મુમાં ડોગરા ફ્રંટ નામના સંગઠન સાથે જોડાયેલા લોકો રસ્તા પર આવી ગયા અને મહેબૂબા મુફ્તીના વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા. આટલું જ નહીં પ્રદર્શનકારીઓએ માંગ કરી છે તે આ નિવેદનને લઈને મહેબૂબાને જેલમાં પુરી દેવામાં આવે. એક પ્રદર્શનકારીએ કહ્યું કે, “આ આંદોલન મહેબૂબા મુફ્તીના નિવેદન વિરદ્ધ છે, જે તેમણે ગુપકાર ગઠબંધન દળોની મિટિંગ બાદ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કાશ્મીરના મામલે પાકિસ્તાન પણ એક પાર્ટી છે અને તેમની સાથે વાતચીત કરવી જોઈએ. તેમના આ નિવેદન પર તેમને જેલમાં પુરી દેવા જોઈએ. “
PM મોદી આજે કાશ્મીરી નેતાઓ સાથે કરવાના છે બેઠક
પીએમની કાશ્મીરી નેતાઓ સાથેની બેઠકનો એજન્ડા કાશ્મીરના ભવિષ્ય પરની ચર્ચા વિશે હોવાની સંભાવના છે. જમ્મુ કાશ્મીરને ફરી વાર પૂર્ણ રાજ્યનો દરજ્જાના મુદ્દે પણ ચર્ચા થશે તેવું પણ કહેવાઈ રહ્યું છે. અધિકારીઓએ પણ કહ્યું છે કે પીએમ મોદીની બેઠક રાજ્યની રાજકીય પ્રોસેસને સ્થિરતા આપશે. વિધાનસભા ચૂંટણીની સંભાવના પણ જોવામાં આવશે. હાલમાં જમ્મુ કાશ્મીરમાં સીમાંકનની પ્રોસેસ ચાલી રહી છે. તેને પૂરા કરવામા તમામ રાજકીય પક્ષોને ભાગીદારી હશે.
બેઠકમાં આ નેતાઓ ભાગ લેશે
બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના જમ્મુ-કાશ્મીર યુનિટના પ્રમુખ રવિંદર રૈના, PDP મહેબૂબા મુફ્તી, જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના ચીફ અલ્તાફ બુખારી, નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલા, CPM નેતા એમવાય તારિગામી, કોંગ્રેસના જમ્મુ-કાશ્મીર યુનિટના વડા જીએ મીર પણ ભાગ લેશે. જમ્મુ-કાશ્મીરના ભૂતપુર્વ મુખ્યમંત્રી ગુલામ બની આઝાદ અને ઉમર અબ્દુલ્લાને પણ આમંત્રણ અપાયું છે. અત્યાર સુધીમાં ભાજપ તથા જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીએ કહ્યું છે કે તે બેઠકમાં ભાગ લેશે. પીપલ્સ એલાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશન સાથે જોડાયેલા નેતાઓએ પણ મોદી-શાહ સાથે યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે સહમતિ દર્શાવી છે.
જમ્મુ-કાશ્મીરમાં હાલ શું સ્થિતિ છે?
2018માં ભાજપે સમર્થન પરત ખેંચ્યા બાદ મહબૂબા મુફ્તી સરકાર પડી ગઈ હતી. ત્યારે 19 જૂન 2018થી જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લગાડવામાં આવ્યું હતું. તે સમયે આર્ટિકલ 370ના કારણે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું ન હતું.નવેમ્બર 2018માં વિધાનસભા ભંગ થઈ ગઈ. સુપ્રીમ કોર્ટના આદેશના આધારે વિધાનસભા ભંગ થવાના 6 મહિનામાં જ ચૂંટણી કરાવવાની હતી, પરંતુ તેવું ન થઈ શક્યું. લોકસભા ચૂંટણી પછી 5 ઓગસ્ટ 2019નાં રોજ કેન્દ્ર સરકારે આર્ટિકલ 370 ખતમ કરી દીધો. રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેંચવામાં આવ્યું. ત્યારથી રાજ્યમાં લેફટનન્ટ ગવર્નરની મદદથી કેન્દ્રનું શાસન ચાલી રહ્યું છે.