ધનતેરસ 2025: સોનાનું વેચાણ જથ્થામાં ઘટ્યું, પણ મૂલ્યમાં 20% વધારો
દિવાળીના તહેવારોનો પ્રારંભ ધનતેરસના શુભ દિવસથી થઈ ચૂક્યો છે, અને આજે (18મી ઓક્ટોબર) સોનાની ખરીદી માટે આ શ્રેષ્ઠ મુહૂર્ત છે. જોકે, આ ધનતેરસ પર સોનાના ભાવમાં થયેલો તોતિંગ વધારો રોકાણકારો માટે ખુશીનો અને ખરીદદારો માટે ચિંતાનો વિષય બન્યો છે.
ગત વર્ષની ધનતેરસની તુલનામાં આ વર્ષે સોનાની કિંમતમાં 60 ટકાથી વધુનો જંગી વધારો નોંધાયો છે, જેણે ગોલ્ડને રોકાણનો સૌથી સફળ વિકલ્પ સાબિત કર્યો છે. વર્ષ 2024 ધનતેરસે ₹80,510 પ્રતિ 10 ગ્રામ હતું, જે આ વખતે વધીને ₹1,34,000 આસપાસ પહોંચી ગયું છે.
આ દર્શાવે છે કે જે રોકાણકારે ગયા વર્ષે ₹1 લાખનું સોનું ખરીદ્યું હશે, તેને આ ધનતેરસ સુધીમાં ₹55,000થી વધુનો નફો થયો છે. જ્યારે સોનાનું વળતર 55 ટકાથી વધુ રહ્યું છે, ત્યારે નિફ્ટી 50નું વળતર માત્ર 3.5 ટકા જેટલું જ રહ્યું છે. વૈશ્વિક અનિશ્ચિતતા અને કેન્દ્રીય બેંકો (જેમ કે રિઝર્વ બેંક) દ્વારા સતત સોનાની ખરીદીને કારણે કિંમતોમાં આટલો મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. જોકે જથ્થાની દ્રષ્ટિએ વેચાણ 20 ટકા ઓછું થયું છે, પરંતુ મૂલ્યની દ્રષ્ટિએ સોનાની માંગ 15-20 ટકા વધી છે, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે.