ડોક્ટર્સ ડે પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું વિવાદીત નિવેદન, જાણો શું બોલ્યાં રાજયપાલ
આજે નેશનલ ડોક્ટર્સ ડે છે. આજે આ અવસરે ઈંડિયન મેડિકલ એસોસિએશને કેટલાય કાર્યક્રમોનું આયોજન રાખ્યુ છે. વડાપ્રધાન મોદી ખુદ મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સાથે સંવાદ કરી રહ્યા છે. આ બાજૂ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ડોક્ટર્સનું અપમાન કરી રહ્યા છે. તેમણે તો ડોક્ટર્સ પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે. તેમણે ડોક્ટર્સ પર ચોરીનો પણ આરોપ લગાવ્યો છે. સાથે જ તેમની શિક્ષણ વ્યવસ્થા પર પણ ગંભીર આક્ષેપો કર્યા છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યુ હતું કે, કોરોનાકાળમાં નકલી ઈંજેક્શન-દવાઓ વેચવામાં આવી, ઓક્સિજનની ચોરી થઈ. આ બધુ અભણ ખેડૂતો કે મજૂરોએ નથી કર્યુ, પણ ભણેલા-ગણેલા ડોક્ટર્સ અને એન્જિનિયર તથા ડિગ્રીધારીએ પાપ કર્યુ છે. આવા પાપ, ભ્રષ્ટાચાર, છેતરપીંડી ભણેલા-ગણેલા લોકો દ્વારા કરવામાં આવે છે. તો પછી ડિગ્રી અને ભણતરનો શું અર્થ રહી જાય છે.
આપને જણાવી દઈએ કે, 2019માં આચાર્ય દેવવ્રતને ગુજરાતના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. આ અગાઉ લગભગ ચાર વર્ષ સુધી તેઓ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતાં. જ્યાં તેમણે રાજભવનમાં હવન યજ્ઞ કરવાની નવી પરંપરા શરૂ કરાવી હતી. તેમના આ પગલાની ખૂબ ચર્ચા પણ થઈ હતી.
કેન્દ્ર સરકારે વર્ષ 1991માં નેશનલ ડોક્ટર્સ ડે મનાવવાની શરૂઆત કરી હતી. દેશના મહાન તબિબ અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડો. વિધાનચંદ્ર રાયને સન્માન આપવા માટે આ દિવસ મનાવામાં આવે છે. તેમનો જન્મદિવસ અને પુણ્યતિથી બંને એક જૂલાઈ આવે છે. આ દિવસે ડોક્ટર્સના મહત્વ પર લોકોને જાગૃત કરવામાં આવે છે.