બોલીવુડનાં દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનું નિધન, છેલ્લો શ્વાસ હિન્દુજા હોસ્પિટલમાં લીધો
બોલીવુડનાં ((Bollywood)જાણીતા એક્ટર દિલીપ કુમારનું નિધન થઈ ગયું છે. તે 98 વર્ષના હતા અને ઘણાં લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા હતા. તેમણે છેલ્લો શ્વાસ હિન્દુજા હોસ્પિટલમાં લીધો.
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું બુધવારે (7 જુલાઈ) નિધન થયું. અભિનેતા છેલ્લા કેટલાક દિવસોથી વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. દિલીપ કુમારને 30 જૂને મુંબઇની હિન્દુજા હોસ્પિટલના ICU માં દાખલ કરવામાં આવ્યા હતા.
દિલીપ કુમારની પત્ની સાયરા બાનુ તેમની પડખેને પડખે રહ્યા. સાયરા બાનુએ થોડા દિવસો અગાઉ જ ચાહકોને ખાતરી આપી હતી કે તેમની તબિયત સ્થિર છે. સાયરા બાનુએ છેલ્લું ટ્વીટ કર્યું હતું કે, “દિલીપ કુમાર સાહબની તબિયત સ્થિર છે. તેઓ હજુ પણ આઈસીયુમાં છે, અમે તેમને ઘરે લઈ જવા માંગીએ છીએ, પરંતુ તેઓ ડોકટરોની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે, તેઓ ઘરે લઈ જશે.” સાયરા બાનુએ તેમની આ ટ્વીટમાં કહ્યું હતું કે, “તેમને પ્રશંસકોની પ્રાર્થનાની જરૂર છે, તેઓ જલ્દી જ પરત ફરશે.”
દિલીપ કુમારે બુધવારે સવારે 7.30 વાગ્યે મુંબઈનાં ખાર ખાતે આવેલી હિંંદુજા હોસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો હતો. હોસ્પિટલમાં ડો. પાર્કર તેમનો ઈલાજ કરી રહ્યા હતા. તેમણે જ દિલીપ કુમારનાં નિધનની પુષ્ટી કરી હતી.
બે દિવસ પહેલા જ આવ્યુ હતું હેલ્થ અપડેટ
દિલીપ કુમારને પાછલા એક મહિનામાં બે વાર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. પાંચ જુલાઈનાં રોજ દિલીપ કુમારનાં ટ્વિટર હેન્ડલથી અપડેટ કરવામાં આવ્યું હતું. દિલીપ કુમારની પત્ની સાયરા બાનો દ્વારા તેના સારા હેલ્થ માટે પ્રાર્થના કરવાનું કહેવામાં આવ્યું હતું, જો કે આ ટ્વિટનાં બે દિવસમાં જ દિલીપ કુમારનું નિધન થઈ ગયું હતું.
પેશાવરનાં યુસુફ કે જે બની ગયા બોલીવુડનાં દિગ્ગજ ટ્રેજેડી કિંગ
11 ડિસેમ્બર 1922નાં રોજ બ્રિટિશ ઈન્ડિયાનાં પેશાવરમાં કે જે હાલ પાકિસ્તાનમાં છે ત્યાં જન્મેલા દિલીપ કુમારનું અસલી નામ મોહમ્મદ યુસુફ ખાન હતું. તેમણે પોતાનું ભણતર નાસિકથી કર્યું હતું. રાજકપુર એમના નાનપણથી જ મિત્ર બની ગયા હતા અને કદાચ ત્યાર પછી જ તેમની બોલીવુડ સફરની પણ શરૂઆત થઈ ગઈ. આશરે 22 વર્ષની ઉમરમાં તેમને પ્રથમ ફિલ્મ મળી હતી. 1944માં તેમમે જ્વાર ભાટા ફિલ્મમાં કામ કર્યું હતું જો કે આ ફિલ્મને લઈ તે કોઈ ખાસ ચર્ચામાં નોહતા આવ્યા.
તેમમે પાંચ દશકમાં 60 જેટલી ફિલ્મમાં કામ કર્યું હતું. તેમણે અનેક ફિલ્મોને રિજેક્ટ કરી દીધી હતી, તેમનું એવું માનવું હતું કે ફિલ્મ ઓછી કરવી પરંતુ સારી હોવી જરૂરી છે. તેમને જો કે અફસોસ પ્યાસા અને દીવાર જેવી ફિલ્મમાં કામ નહી કરવાનો રહ્યો હતો.
દિલીપ કુમારનાં નિધનનાં પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતનાં વિવિધ નેતા અને કલાકારો દ્વારા ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.