ઉનામાં આરએસએસ-ભાજપના લોકોએ જ દલિતો પર અત્યાચાર ગુજાર્યો : માયાવતી
લખનઉ, તા. ૨૪
બસપા સુપ્રીમો માયાવતીએ ભાજપ અને સમાદવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતંુ કે ભાજપ એક જાતીને બીજી જાતી સાથે લડાવી સત્તા હાસલ કરવા માગે છે. ભાજપના સસ્પેન્ડ કરાયેલા નેતા દયાશંકરના વિવાદીત નિવેદનો બાદ શરૃ થયેલા હોબાળા અંગે માયાવતીએ પોતાની વાત રજુ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે દયાશંકરે મારા વિશે અતી અપમાનજનક નિવેદન કર્યા તેમ છતા ઉ. પ્રદેશની સમાજવાદી પાર્ટીની સરકાર તેની વિરૃદ્ધ કોઇ જ પગલા નથી લઇ રહી ઉલટા મારી વિરૃદ્ધ ફરિયાદ દાખલ કરાવાઇ રહી છેે.
આ ઉપરાંત બસપા ભાજપ અને સમાજવાદી પાર્ટીના વિરોધમાં એક વિશાળ રેલી પણ કાઢશે. તેઓએ ગુજરાતના ઉનામાં દલિતો પર થયેલા આત્યાચાર અંગે પણ આરએસએસ અને ભાજપ પર આક્ષેપો લગાવ્યા હતા. માયાવતીએ જણાવ્યું હતું કે ગુજરાતના ઉનામાં દલિતો પર અત્યાચાર બીજા કોઇ નહીં આરએસએસ અને ભાજપના લોકોએ જ કર્યો છે. દુ:ખદ વાત એ છે કે મોદીએ હજુસુધી એક પણ વખત ઉના કાંડ અંગે એક પણ શબ્દ નથી ઉચ્ચાર્યો.
માયાવતીએ જણાવ્યું કે ભાજપ અને સમાજવાદી પાર્ટી બન્ને મળી ગયા છે. આ બન્ને પક્ષો જાતી-જાતી વચ્ચે ફાટા પડાવી સત્તા મેળવવા માગે છે. જોકે તેઓએે સાથે એમ પણ કહ્યુ હતું કે જો સત્તા પર બસપા આવશે તો દયાશંકર વિરૃદ્ધ કડક પગલા લેવામાં આવશે.
ઉ. પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ પર પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે અખિલેશ મને ફૈબા માને છે, હું અખિલેશને કહેવા માગુ છું કે ઉ. પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે અને આ ફૈબાના માનમાં દયાશંકરની ધરપકડ કરો. માયાવતીએ દયાશંકરના પરિવાર પર પણ પ્રહારો કર્યા હતા. અને જણાવ્યું હતું કે જો દયાશંકર વિરૃદ્ધ પણ અપમાન જનક નિવેદન બદલ પરિવારે એફઆઇઆર કરાવી હોત તો દયાશંકર વિરૃદ્ધ પણ તેઓએ ફરિયાદ કરવી જોઇએ.
માયાવતી-બસપા કાર્યકરોએ દયાશંકરના પરિવારનું અપમાન કર્યું : અનુપ્રિયા
બીજી તરફ અપના દલના સાંસદ અને હાલમા કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં સામેલ અનુપ્રિયા પટેલે દયાશંકરના વિવાદ અંગે માયાવતી પર પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે માયાવતી અંગે દયાશંકરે જે નિવેદન કર્યું તે બદલ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પણ માયાવતી અને તેની પાર્ટીના કાર્યકરો જે પ્રકારનું વર્તન દયાશંકરના પરિવારની મહિલાઓ અંગે કરી રહ્યા છે તે બહુ જ અપમાનજનક છે. એટલે કે માયાવતી અને તેની પાર્ટીના કાર્યકરો સાવ હલકી કક્ષાએ જઇ રહ્યા છે.