ગુજરાતધર્મ દર્શન

રથયાત્રાના રૂડા અવસરે જાણો પ્રભુ જગન્નાથજીના ‘રથ’નો મહિમા

અષાઢી બીજનો અવસર એટલે તો જગતના નાથ જગન્નાથજીની (JAGANNATH) રથયાત્રાનો રૂડો અવસર. આ એ દિવસ છે કે જેની જગન્નાથજીના ભક્તો સમગ્ર વર્ષ દરમિયાન આતુરતાપૂર્વક રાહ નિહાળતા હોય છે. કારણ કે આ દિવસે ખુદ ભગવાન તેમના ભક્તોને મળવા આવે છે.

રથમાં બિરાજમાન થઈ જગન્નાથજી તેમના ભાઈ બળભદ્ર અને સુભદ્રાજી સાથે ભક્તોને દર્શન દેવા પહોંચે છે. પણ, શું તમને ખબર છે કે પ્રભુ જે રથમાં બિરાજમાન થાય છે તે રથ સાથે અનેક રોચક બાબતો જોડાયેલી છે ? આવો, આજે જાણીએ આ રથના રહસ્યને.

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પ્રભુના રથનું સમારકામ કરી તેને શણગારવામાં આવે છે. પણ, પુરીમાં તો દર વર્ષે નવાં જ રથનું નિર્માણ થાય છે. પરંતુ, આ નિર્માણ કાર્ય એટલું ચોક્કસ હોય છે કે રથ દર વર્ષે બિલ્કુલ એક સમાન જ લાગે છે. તેમાં જરાક પણ ફેરફાર જોવા નથી મળતો.

જગન્નાથજીનો રથ
લાલ-પીળા રંગનો ભગવાન જગન્નાથજીનો રથ ‘નંદીઘોષ’ તરીકે ઓળખાય છે. જેના નિર્માણમાં લાકડાંના 832 ટુકડાનો ઉપયોગ થાય છે. આ રથની ઊંચાઈ લગભગ 45 ફૂટ 6 ઈંચ હોય છે અને તેને 16 પૈડા હોય છે.

બળભદ્રજીનો રથ
લાલ-લીલા રંગનો બળભદ્રજીનો રથ ‘તલધ્વજ’ કે ‘તાલધ્વજ’ના નામે ઓળખાય છે. જેમાં લાકડાના 763 ટુકડાનો ઉપયોગ થાય છે. રથની ઊંચાઈ લગભગ 45 ફૂટ હોય છે અને તેને 14 પૈડા હોય છે.

સુભદ્રાજીનો રથ
પુરી જગન્નાથ ધામમાં સુભદ્રાજીનો રથ ‘દર્પદલન’ નામે પ્રસિદ્ધ છે. લાલ અને કાળા રંગથી શોભતા દેવીના આ રથને બનાવવામાં લાકડાના 593 ટુકડાનો ઉપયોગ થાય છે. આ રથની ઊંચાઈ લગભગ 44 ફૂટ 6 ઈંચ હોય છે અને તેને 12 પૈડા હોય છે.

સૌથી મહત્વની વાત તો એ છે કે આ રથના નિર્માણ માટે કોઈ પણ પ્રકારની મશીનરીનો ઉપયોગ નથી થતો. લગભગ 200 લોકો મળીને પરંપરાગત રીતે માત્ર અઠ્ઠાવન દિવસમાં આ રથને તૈયાર કરતાં હોય છે. નવાઈની વાત તો એ છે રથ બનાવનારાઓ પાસે કોઈ જ લેખિત માહિતી કે ડિઝાઈન-ગ્રાફ કશું જ નથી હોતું. પેઢી દર પેઢી જે વારસાગત જ્ઞાન તેમણે મેળવ્યું હોય છે તેના જ આધાર પર તેઓ આ રથનું નિર્માણ કરે છે.

પુરી જગન્નાથ ધામના રથમાં ક્યાંય કોઈ ધાતુનો કે લોખંડનો ઉપયોગ નથી થતો અને છતાં રથ ખૂબ જ મજબૂત હોય છે. જેમાં કોઈ જ ક્ષતિ જોવા નથી મળતી. આ બાબત ખૂબ જ અચરજ ભરેલી જ છે.

કેટલાંકને પ્રશ્ન થાય કે રથયાત્રા પૂર્ણ થયા બાદ આ રથનું શું થતું હશે ? તો, તમને જણાવી દઈએ કે આ રથના જ લાકડાંઓમાંથી જગન્નાથજી પ્રભુ માટે પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. પુરીમાં આજે પણ પરંપરાગત રીતે જ પ્રભુ માટે ભોગ તૈયાર થાય છે. જ્યાં ચુલાના બળતણ માટે રથના જ લાકડાંનો ઉપયોગ થાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x