દેશના પ્રથમ સોલાર વિલેજ મોઢેરાનું 5 સપ્ટેમ્બરે પીએમ મોદી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે
5 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી દેશના પ્રથમ સોલર વિલેજ એવા મોઢેરા અને સૂર્ય મંદિરનું લોકાર્પણ કરશે. 69 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. શિક્ષક દિવસે મહાત્મા મંદિર ખાતે સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટનો પ્રારંભ કરવા આવી રહેલા વડાપ્રધાન મોદી રિમોટ કંટ્રોલથી મોઢેરા સોલર વિલેજ અને સૂર્ય મંદિરનું લોકાર્પણ કરશે.મોઢેરાના તમામ 1610 ઘરને સંપૂર્ણ સોલર આધારિત વીજળી પૂરી પાડવામાં આવશે. આ સાથે 11મી સદીમાં બનેલું ઐતિહાસિક સૂર્ય મંદિર પણ સૂર્ય ઊર્જાથી ઝળહળશે.
હાલમાં મોઢેરા ગામની વીજળીની જરૂરિયાત પ્રતિ કલાક માત્ર 10 હજાર યુનિટની છે, પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટને વિસ્તૃત બનાવાયો છે, જેથી પ્રતિ કલાક 1.50 લાખ યુનિટ વીજળીની ડિમાન્ડ સોલર મારફત પૂરી પાડી શકાશે. આ પ્રોજેક્ટમાં દક્ષિણ કોરિયાની ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. દિવસે ઉત્પન્ન થયેલી વીજળીનો સંગ્રહ થઇ શકે તેવી વ્યવસ્થા કરી છે. સંપૂર્ણ ગામ માત્ર સોલર વીજળીથી જ ચાલશે.
મહેસાણાનું મોઢેરા ગામ સૂર્યમંદિરના કારણે અહીં દેશ-દુનિયાના પ્રવાસીઓ ખેંચાઈ આવે છે. ત્યારે મોઢેરા ગામમાં હવે દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ચલાવનાર ગામ બનવા તરફ જઇ રહ્યું છે. મોઢેરા ગામમાં રૂપિયા 69 કરોડના ખર્ચે દેશનો પ્રથમ સોલાર પ્રોજેક્ટ થકી મોઢેરા ગામ અને સૂર્યમંદિર સૌર ઊર્જાથી ઝળહળી ઉઠશે.
સોલાર પ્લાન્ટથી મોઢેરા ગામને મળશે નવી ઓળખ
આ સોલાર પ્રોજેક્ટ ગુજરાત સરકાર તેમજ કેન્દ્રના સહયોગથી ચાલુ મહિનામાં પૂર્ણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. મોઢેરા ગામથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલા સુજાણપુરા ગામની બહાર રૂ. 69 કરોડના ખર્ચે સોલાર પ્રોજેક્ટ માટે સરકારે 12 એકર જમીન ફાળવી છે. જ્યાં સોલાર ફોટોવોલ્ટેઈક પેનલ લગાવવામાં આવી છે.
રુપિયા 69 કરોડના ખર્ચે તૈયાર થનાર ભારતનો પ્રથમ પ્રોજેક્ટ
આ પ્રોજેક્ટ અન્વયે ત્રણ મેગાવોટ અને એક એવા બે યુનિટ મેગા વોટની ક્ષમતા વાળા પ્રોજેકટ ઉભા કરવામાં આવશે. સાથે સાથે લીથીયમ બેટરીવાળી બીએસએસ ટેક્નોલોજી પણ સર્જાશે. આ પ્રોજેક્ટ રાજ્ય સરકારની નોડલ એજન્સી ગુજરાત પાવર કોર્પોરેશન લીમીટેડ દ્વારા મહિન્દ્રા કંપની મહિન્દ્રા સસ્તેન લિમિટેડનો છે. જે દક્ષિણ કોરિયાથી ટેકનોલોજી આયાત કરે છે.
ભવિષ્યમાં 150 લાખ યુનિટ વીજળી આ પ્રોજેકટ ઉત્પન્ન કરી શકશે
આ પ્રોજેક્ટની ખાસ વિશેષતા એ છે કે, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ બીઇએસેસ ધરાવતા બજેટમાં ઉત્પાદિત સોલર એનર્જીનો ઉપયોગ રાત્રે પણ થશે. રુપિયા 69 કરોડના આ સોલાર પ્રોજેક્ટ દ્વારા ઉત્પાદિત સોલાર એનર્જી મોઢેરા ગામના કુલ 1610 ઘરોમાં અને સૂર્યમંદિરને દિવસ-રાત સૂર્ય ઉર્જા પૂરી પાડવામાં આવશે. કુલ ઘરો પૈકીના 271 ઘર ઉપર એક કિલો વોટની રુફટોપ સિસ્ટમ પણ હાલમાં લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.