ગાંધીનગર : ઝડપી ટાઇપીંગ માટે 16 વર્ષની કિશોરીએ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું
ગાંધીનગર:
સમગ્ર વિશ્વમાં અલગ અલગ પ્રકારે વર્લ્ડ રેકોર્ડ સર્જાતાં હોય છે અને તે તુટે તે માટે પણ અન્ય લોકોમાં ઉત્સુકતા રહેતી હોય છે ત્યારે હાલમાં મોબાઇલ યુગ ચાલી રહ્યો છે જેમાં અવનવા રેકોર્ડ પણ બનતાં હોય છે. ત્યારે ગાંધીનગર શહેરની ૧૬ વર્ષની કિશોરીએ મોબાઇલની ટચસ્ક્રીન ઉપર સૌથી ઝડપી ટાઇપીંગ કરીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રોજની બે થી ચાર કલાકની પ્રેક્ટીસ કર્યા બાદ ટાર્ગેટ ઉપર પહોંચવા માટે જરૃરી સ્પીડ મેળવીને આ રેકોર્ડ બનાવ્યો છે.
નાના – મોટા સૌ વિવિધ ક્ષેત્રોમાં પોતાનું કૌશલ્ય બતાવીને આંતરિક શક્તિઓને ઉજાગર કરતાં હોય છે ત્યારે ઘણા લોકોને વર્લ્ડરેકોર્ડ બને તે અંગેની ઉત્સુકતા ઉભી થતી હોય છે. તે પ્રકારે રેકોર્ડ બનાવવા માટે તૈયારીમાં લાગી જતાં હોય છે અને જ્યાં સુધી ધ્યેય સિધ્ધ થાય નહીં ત્યાં સુધી તેની પાછળ જ ઓતપ્રોત બની જાય છે. આમ ગાંધીનગર શહેરમાં વસવાટ કરતી અને માઉન્ટ કાર્મેલ શાળામાં ધોરણ-૧૧માં અભ્યાસ કરતી ધ્વની ભુતે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો વિડિયો જોઇ રહી હતી ત્યારે તેણે ઝીયા યાનએ મોબાઇલ ફોનની સ્ક્રીન ઉપર ફાસ્ટેટ ટાઇપીંગનો રેકોર્ડ ૩.૯૧ સેન્કડનો પોતાના નામે કર્યો તે જોઇને ધ્વનિએ ફોનની સ્ક્રીન ઓપન કરી હતી અને તમામ આલ્ફાબેટ ટાઇપ કર્યા હતા જે અંદાજે પાંચ સેકન્ડનો ટાઇમ થયો હતો. આમ વારંવાર સ્ક્રીન ઉપર આલ્ફાબેટ ટાઇપ કરવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો હતો અને રેકોર્ડની બરાબરી કરવા માટેના પ્રયત્નો ચાલુ કરી દીધા હતા. રોજ અંદાજે બે થી ચાર કલાકની આકરી પ્રેક્ટીસ સતત બે સપ્તાહ સુધી કર્યા બાદ આખરે ટાર્ગેટ ઉપર પહોંચવા માટેની જરૃરી સ્પીડ મેળવી લીધી હતી અને તેણે ઇંગ્લીસના તમામ આલ્ફાબેટ માત્ર ૩.૮૭ સેકન્ડમાં મોબાઇલની ટચ સ્ક્રીન ઉપર ટાઇપ કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવીને ગીનીસ બુક ઓફ વર્લ્ડમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આમ હાલમાં કંપનીમાં ફરજ બજાવતાં શરદભાઇએ પોતાની દિકરીના આત્મવિશ્વાસમાં પણ વધારો કરીને સાથ સહકાર આપ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, આ એવોર્ડથી માત્ર મારૃ સન્માન નથી વધ્યું પરંતુ આત્મવિશ્વાસમાં જે વધારો થયો છે તે ભવિષ્યમાં મને મદદરૃપ થશે.