ગાંધીનગરગુજરાત

વરસાદ ખેંચાતા ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જતાં સરકાર તાત્કાલિક ખેડૂતોને મદદ કરે : પરેશ ધાનાણી

ગાંધીનગર :
રાજ્યમાં ચોમાસાની અડધી સીઝન વીતી ગઈ હોવા છતાં ખૂબ જ અપૂરતો વરસાદ અને કેટલાક વિસ્તારોમાં નહીવત્ વરસાદને કારણે દુષ્કાળ જેવી સ્થિતિમાં ખેડૂતોનો ઉભો પાક મુરઝાઈ રહ્યો છે અને જ્યાં પાણી છે ત્યાં વીજળીના અભાવે સિંચાઈ થઈ શકતી નથી. જેના કારણે ખેડૂતોનું મોંઘા ભાવનું બિયારણ નિષ્ફળ ગયું છે અને ખાતર તથા દવાનો ખર્ચો માથે પડ્યો છે. વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને અનાવૃષ્ટિની આ પરિસ્થિતિમાં ખેડૂતોના મુરઝાઈ રહેલા ઉભા પાકનો તાત્કાલિક સર્વે કરાવીને નુકસાનીનું ૧૦૦% વળતર આપવાની માંગણી સાથે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને મદદ અને સહાય જાહેર કરવા માંગણી કરી છે.
વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ માન. મુખ્યમંત્રીશ્રીને લખેલા પત્રમાં જણાવેલ કે, સમગ્ર રાજ્યની પ્રજા હાલ જ્યારે કોરોના, તૌકતે વાવાઝોડાની કુદરતી આપત્તિઓ બાદ અનાવૃષ્ટિની કુદરતી આપત્તિનો સામનો કરી રહી છે તેવા સમયે રાજ્ય સરકારે ખાસ કરીને ખેડૂતો, પશુપાલકોની વ્હારે આવી, અનાવૃષ્ટિની કુદરતી આપત્તિથી બચાવવા માટે અછત મેન્યુઅલની જોગવાઈ, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જોગવાઈ મુજબની વ્યવસ્થા તાત્કાલિક કરવી જરૂરી છે. આ વરસે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ખૂબ જ અપૂરતો વરસાદ થયેલ છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ખેડૂતોએ કોરોના મહામારીમાં સહન કરેલ માર બાદ તૌકતે વાવાઝોડાએ પારાવાર નુકસાન પહોંચાડ્યું હતું. ગીર-સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર જિલ્લાઓમાં તૌકતે વાવાઝોડાના કારણે ખેડૂતોના ઉભા પાક અને બાગાયતી પાકો સંપૂર્ણ નાશ પામેલ. તૌકતે વાવાઝોડાના કારણે વીજ ક્ષેત્રે થયેલ તારાજી બાદ પણ આ જિલ્લાઓમાં મોટાભાગના ખેતરોમાં ખેતીવિષયક વીજ પુરવઠો પુનઃ ચાલુ થઈ શકેલ નથી. આજે જ્યારે ચોમાસાની અડધી સીઝન બાદ પણ પૂરતો વરસાદ થયો નથી ત્યારે ખેડૂતોના કૂવાના તળમાં પાણી હોવા છતાં વીજળીના અભાવે ખેડૂતો સિંચાઈ કરી શકતા નથી અને પાક બચાવી શકતા નથી. કોરોના અને તૌકતે વાવાઝોડાની કુદરતી આપત્તિઓ બાદ ખેડૂત થોડો ઘણો બેઠો થયેલ અને ચોમાસાની શરૂઆતમાં પ્રથમ સારો વરસાદ થતા ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ ખરીદીને વાવેતર કરેલ. આજે ચોમાસાની અડધી સીઝન બાદ પણ વરસાદ નહીં થતાં ખેડૂતોનો પાક મુરઝાઈ રહ્યો છે, જેથી ખેડૂતોની હાલત પડતા ઉપર પાટુ જેવી થયેલ છે.
વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ વધુમાં જણાવેલ કે, કુદરતી આપત્તિથી ખરીફ ઋતુમાં ખેડૂતોને પાક નુકસાની માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તા. ૧૦-૮-૨૦૨૦ના ઠરાવથી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. સદર યોજનામાં એવી જોગવાઈ કરવામાં આવેલ છે કે, જે તાલુકામાં ચાલુ સીઝનનો ૧૦ ઈંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા ૩૧મી ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા વરસાદ પડેલ ન હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકસાન થયેલ હોય તેને અનાવૃષ્ટિ(દુષ્કાળ)નું જોખમ ગણવામાં આવશે. એ જોગવાઈમાં જરૂર પડ્યે સુધારાવધારા કરવા જણાવેલ છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં થયેલ વરસાદના સરકારના આંકડા મુજબ તા. ૨૫-૮-૨૦૨૧ની સ્થિતિએ સરેરાશ કચ્છ જિલ્લામાં ૧૪૦ મીમી (૩૧.૭૪%), ઉત્તર ગુજરાતમાં ૨૨૯ મીમી (૩૧.૯૮%), મધ્ય ગુજરાતમાં ૩૦૬ મીમી (૩૭.૯૪%), સૌરાષ્ટ્રમાં ૨૬૦ મીમી (૩૭.૧૦%) તથા દક્ષિણ ગુજરાતમાં ૭૫૧ મીમી (૫૧.૪૧%) વરસાદ નોંધાયો છે. આમ, સમગ્ર રાજ્યમાં સરેરાશ વરસાદ ૩૫૦.૭૧ મીમી (૪૧.૭૫%) થયો છે. રાજ્યમાં ૮૦% વરસાદની ઘટવાળા ૨૦ તાલુકા, ૬૦% ઘટવાળા ૧૨૯ તાલુકા, ૪૦% ઘટવાળા ૮૧ તાલુકા અને ૨૦% ઘટવાળા ૨૧ તાલુકા છે. રાજ્યમાં ફક્ત દક્ષિણ ગુજરાતમાં ૫૦%થી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે, પોણા ભાગના રાજ્યમાં ૩૫% અને તેથી ઓછો વરસાદ નોંધાયો છે. આજે સમગ્ર રાજ્યમાં અનાવૃષ્ટિની પરિસ્થિતિ ઉભી થઈ છે.
રાજ્યના ખેડૂતોને અનાવૃષ્ટિની કુદરતી આપત્તિથી બચાવવા માટે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય કરી, નીચે મુજબની વ્યવસ્થા તાત્કાલિક કરવી અત્યંત જરૂરી છે.
(૧) રાજ્યમાં જે ખેડૂતોના કૂવામાં પાણીના તળ ઊંડા છે તેવા ખેડૂતોને સતત ૧૪ કલાક ખેતીવિષયક વીજળી પૂરી પાડવી, જેથી ખેડૂત પોતાનો ઉભો પાક બચાવી શકે.
(૨) ખેડૂતોનો ઉભો પાક પાણીના અભાવે મુરઝાઈ રહ્યો છે તેનો તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને નુકસાનીનું ૧૦૦% વળતર ચૂકવવું.
(૩) તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં ખેતવિષયક વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવો.
(૪) પશુઓ માટે પૂરતા ઘાસચારાની વ્યવસ્થા કરવી.
(૫) રાજ્યના જે વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલી હોય ત્યાં નાગરિકો અને પશુઓ માટે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x