સોમનાથ મહાદેવનાં દર્શન કરીને શીશ નમાવતા 1.59 લાખ ભક્તો
વેરાવળ :
શ્રાવણ માસના ચોથા સોમવારે જન્માષ્ટમીનો તહેવાર હોવાથી સોમનાથ મહાદેવને શિશ નમાવવા દેશ વિદેશથી દોઢ લાખથી વધુ ભાવિકો ઉમટી પડયા હતા. રવિવારે સવારે ૪ વાગ્યાથી રાત્રે ૧૦.૩૦ વાગ્યા સુધી તેમજ સોમવારે પણ આટલા જ સમય માટે સોમનાથ મંદિર ખુલ્લું રહ્યું હતું અને ધાર્મિક ઉત્સવ ઉજવાયો હતો.
જન્માષ્ટમીના તહેવાર તેમજ શ્રાવણ માસનો સોમવાર હોય, જેથી દેશ વિદેશથી શિવ ભકતો ભોળાનાથના દર્શન કરવા માટે આવી પહોંચેલા હતા. કાવડીયાઓ પગપાળા ચાલીને આવતા હોય, જેથી જુનાગઢથી ઉના સુધીનો રોડ હર હર મહાદેવના નાદ સાથે ગુંજતો હતો. હજારો શિવ ભકતો પવિત્ર ત્રિવેણી નદીમાં સ્નાન કરી સવારે ૪ વાગ્યે મંદિરના દ્વાર ખુલે તે પહેલા લાંબી લાઈનોમાં ઉભા રહી ગયેલા હતા.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમવારે પ્રાતઃ મહાપુજન સવારે ૬.૧૫ થી ૭ કલાક સુધી પ્રાતઃઆરતી સવારે ૭ કલાકે, મધ્યાન મહાપુજન બપોરે ૧૧ થી ૧૨ સુધી માધ્યાહન આરતી બપોરે ૧૨ કલાકે, શ્રૃંગાર દર્શન સાંજે પ થી ૯, દીપમાળા સાંજે ૬.૩૦ થી ૮ સોર્ય આરતી સાંજે ૭ કલાકે, મંદિર બંધ થવાનો સમય રાત્રે ૧૦ કલાકે યોજાયેલ હતી. ત્રણેય આરતી દરમ્યાન ભકતો માટે દર્શન બંધ રખાયેલા હતા. ભાલકા જયાં કૃષ્ણ ભગવાન સ્વધામ પધારેલ ત્યાં જન્માષ્ટમીના દિવસે વિવિધ પુષ્પોથી સોભીત કરાયેલ તેમજ રાત્રે કૃષ્ણ જન્મોત્સવ નિમિતે વિશેષ પુજન આરતીનો કાર્યક્રમ યોજાયેલ હતો. આ સાથે સોમનાથ મહાદેવને શ્રીકૃષ્ણ શૃંગાર કરાયો હતો.
ત્રણ દિવસમાં હજારો પુજાવિધઓ તેમજ અનેક ધ્વજા તત્કાલ પુજાઓ નોંધાયેલ હતી. મંદિર પરીષરમાં હોલમાં ર૦૦ થી વધારે ભુદેવો દ્વારા સતત આ પુજાવિધીઓથી મંદિર પરીષર ગુંજતું હતું તેમજ શિવભકતો દ્વારા અપાયેલ સાત સુવર્ણ કળશ પુજા પણ કરવામાં આવી હતી.
વેરાવળ, સુત્રાપાડા વિસ્તારમાં ૩૦૦ થી વધુ મંદિરોમાં અનેક શિવ મંદિરોમાં અનેક પુજા વિધી કરવામાં આવી હતી. જેમાં બિલેશ્વર મહાદેવ, અંબાજી મંદિર, કાશી વિશ્વનાથ, તપેશ્વર, બિરલા મંદિર સુત્રાપાડામાં સુખનાથ મહાદેવ, પ્રાંચી માધવરાજી મંદિર સહિતના મંદિરોમાં શ્રાવણ માસનો ભારે ઉત્સાહ ફેલાયેલ હતો.